ખેડા: તાજેતરમાં સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોના શરમજનક કૃત્યોને લઈ હરિભક્તોમાં આક્રોશ ફેલાયો છે. જેને લઈને મોટી સંખ્યામાં હરિભક્તો વડતાલ સ્વામિનારાયણ મંદિરે પહોંચ્યા હતા.જ્યાં બેનરો પ્રદર્શિત કરી વિરોધ નોંધાવ્યો હતો. હવે આ મામલે હરિભક્તો પર મંદિરનું વાતાવરણ બગાડવાનો આક્ષેપ કરાયો છે. એટલું જ નહીં વિરોધ પ્રદર્શન કરનારા હરિભક્તો સામે ધક્કામુક્કી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી સંત નિવાસમાં ઘૂસી સંત સાથે ઝપાઝપી કરી માર મારવા બાબતે 13 હરિભક્તો વિરૂદ્ધ વડતાલ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.જેને પગલે વિવાદ વધુ ઘેરાતો જોવા મળી રહ્યો છે.
13 હરિભક્તો સામે પોલીસ ફરિયાદ: વડતાલ સ્વામીનારાયણ મંદિરમાં સેવા કરતા નરેન્દ્રભાઈ પટેલ દ્વારા વડતાલ પોલિસ સ્ટેશનમાં 13 હરિભક્તો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં ગત 13 જૂનના રોજ વડતાલ સ્વામીનારાયણ મંદિરમાં સાધુ સંતો અને ટ્રસ્ટીઓ વિરૂદ્ધ બેનરો લઈ આવી બૂમ બરાડા કરી સૂત્રોચ્ચાર કરી મંદિરનું વાતાવરણ બગાડવાનો ઉલ્લેખ કરાયો હતો ઉપરાંત મંદિરના પુરૂષ વિભાગમાં ફરિયાદી તથા અન્ય લોકો સાથે ધક્કા મુક્કી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાનો પણ આરોપ લગાવાયો હતો. સંત નિવાસમાં જઈ એક સંતને ગમે-તેમ બોલી માર મારવા બાબતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે વડતાલ પોલિસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વડતાલમાં હરિભક્તોનો વિરોધ: વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયની વિવિધ ઘટનાઓને લઈ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પ્રત્યે હરિભક્તોમાં ભારે રોષ ફેલાયો હતો.વડોદરાના વાડી ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયના સંત વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવા પામી હતી.તેમજ અન્ય એક સંતની લંપટ લીલાનો વીડિયો પણ વાયરલ થવા પામ્યો હતો.જેને કારણે આવા સંતો પ્રત્યે હરિભક્તોમાં ભારે આક્રોશ ફેલાયો હતો. સંતોના શરમજનક કૃત્યોને લઈ આક્રોશિત હરિભક્તો રાજ્યભરમાંથી વડતાલ ખાતે પહોંચ્યા હતા. અલગ-અલગ સ્થળોએથી આવેલા આગેવાન હરિભક્તોએ લંપટ સાધુને ભગાવો - સંપ્રદાય બચાવો સહિતના વિવિધ બેનર દર્શાવી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આ ઉપરાંત હરિભક્તો દ્વારા મંદિર કાર્યાલયમાં આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું.