છોટાઉદેપુર: લોકસભા બેઠક મતવિસ્તારની સાત વિધાનસભા બેઠકોમાંથી મોટી સંખ્યામાં લોકો સભા સ્થળ પર આવ્યા હતા. ગૃહમંત્રી અમિત શાહ આવવાવાના હોવાથી ભાજપના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
ક્ષત્રિય સમાજ ભાજપનો પરિવાર: છોટાઉદેપુર લોક સભામત વિસ્તારમાં ક્ષત્રિય સમાજનો કોઈ વિરોધ નથી તેવું ભાજપના ધારાસભ્યોએ જણાવ્યું હતું. ક્ષત્રિય સમાજ પણ ભાજપનો પરિવાર છે. છોટાઉદેપુર લોકસભા જંગી બહુમતીથી ભાજપ જીતશે તેવો ભાજપના ધારાસભ્યોએ દાવો કર્યો હતો.
અનામત સાથે કોઈ છેડ છાડ નહી થાય: કેન્દ્રીય મંત્રી અમિત શાહે કોંગ્રેસ અને ઇન્ડિયા એલાઈન્સ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, જ્યાં સુધી ભાજપ સત્તા પર રહેશે ત્યાં સુધી અનામત સાથે કોઈ છેડ છાડ નહી થાય. જે રાજ્યોમાં કોગ્રેસની સરકાર બને છે ત્યાં મુસ્લિમોને અનામત આપવામાં આવે છે. જ્યારથી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા છે ત્યારથી દેશની સીમાઓ પણ સુરક્ષિત છે. અગાઉ કોંગ્રેસ સરકારમાં આતંકવાદ ચાલતું હતું પણ કોંગ્રેસ ચૂપ હતી.
પાવાગઢનાં મહાકાળીનાં મંદિરનુ નવીનીકરણ પણ મોદી સરકારે કર્યું: કેન્દ્રીય મંત્રી અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીનું વિઝન ક્લીઅર છે કે ત્રીજી વખત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનવાના છે. જ્યારે ઇન્ડીયા ગઠબંધનમાંથી કોણ પ્રધાન મંત્રી હશે એનું નક્કી નથી. શું આપ રાહુલ બાબાને પ્રધાનમંત્રી તરીકે જોવા માંગો છો? ૧૦ વર્ષ મનમોહનસિંહની સરકારમાં પાકિસ્તાનથી આલિયા માલિયા જમાલીયા આવી બોમ્બ ધડાકા કરીને જતાં રહેતા હતા. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ પાકિસ્તાનનાં ઘરમાં ઘુસીને બરાબર જવાબ આપ્યો એ બાદ એક પણ આતંકવાદી હુમલો થયો નથી. મોદી સરકાર પાંચ વર્ષમાં અયોધ્યાનો કેસ જીત્યા. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં પણ કોંગ્રેસ આવી નહીં. છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારનાં પાવાગઢનાં મહાકાળીનાં મંદિરનુ નવીનીકરણ પણ મોદી સરકારે કર્યું છે. ભારતના બંધારણમાં આદિવાસીઓની બજેટમાં જેટલી હિસ્સેદારી મુજબ ૧૪ ટકાનુ બજેટ ફાળવવાનું કામ નરેન્દ્ર મોદીની સરકારમાં કર્યું છે.
બોડેલી ખાતે કેન્દ્રીય મંત્રી અમિત શાહની જાહેર સભાનો સમય ૧૦:૩૦ કલાકે હતો. જ્યારે અમિત શાહ હવાઈ માર્ગે ૧ વાગ્યે આવી પહોચ્યા હતાં. તેમનું લોકોએ ચિચિયારીઓ કરી અભિવાદન કર્યું હતું અને અડધા કલાકનું ટૂંકુ રોકાણ કરી વલસાડ જવા રવાના થયાં હતાં.