તાપી: જિલ્લાના વ્યારા શહેરના માલીવાડ વિસ્તારમાં વાનર દ્વારા એક ઈસમ પર હુમલો કરવામાં આવ્યો હતો. માલીવાડમાં રહેતા 65 વર્ષીય ઈસમ અરુણ ખેડવાન પર વાંદરાએ હુમલો કરતા ઈજા પહોંચી હતી. ઈજા પહોંચતા પ્રાથમિક સારવાર વ્યારા સિવિલમાં આપ્યા બાદ ઈસમને સુરત સિવિલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
ઘટનાથી લોકોમા ખૌફનો માહોલ: વ્યારા શહેરના માલીવાડ વિસ્તારમાં રહેતા અરુણ ખેડવાન સવારમાં પોતાના વાડામાં બ્રસ કરવા ગયા હતા જ્યાં વાનર દ્વારા તેમની ઉપર અચાનક હમલો કરી દેવામાં આવ્યો હતો જેમાં અરુણભાઈને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આ ઘટનાથી માલીવાડ વિસ્તારના લોકોમા ખૌફનો માહોલ જોવા મળી રહ્યો છે, આ વિસ્તારમાં રહેતા નાના નાના બાળકો અને લોકોએ ઘરમાંથી નીકળવું મુશ્કેલ બની ગયું છે.
વન વિભાગ વાનરને પિંજરે પુરે તેવી લોકોની માંગ: પગના ભાગે ગંભીર ઈજા પહોંચતા અરુણ ભાઈને વ્યારાની સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા પરંતુ ઈજા ગંભીર હોવાને કારણે વધુ સારવાર માટે સુરત સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા સાથે સાથે લોકો માંગ કરી રહ્યા છે કે વન વિભાગ વહેલી તકે વાનરને પિંજરે પુરે.
ઘરમાંથી નીકળવું મુશ્કેલ બન્યું: માલીવાડ વિસ્તારમાં રહેતા રણજીતભાઈ ગામીતે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી વાનર માલીવાડ વિસ્તારમાં લોકો પાછળ ભાગી રહ્યો છે અને હુમલા કરવાના પ્રયાસ કરી રહ્યો છે જેનાથી અમારે ઘરમાંથી નીકળવું મુશ્કેલ બન્યું છે આજે જ્યારે અરુણ ભાઈ પર ગંભીર રીતે હુમલો કરવામાં આવ્યો છે ત્યારે વન વિભાગ વહેલી તકે વાનરને પાંજરે પુરે તેવી અમારી માંગ છે.