ભરુચ: જિલ્લાના અંકલેશ્વરમાં ઔધોગિક વસાહતમાં આવેલ કેમેક્ષ લિમિટેડ કંપનીમાં વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. આગ બાજુમાં આવેલા એકમમાં પણ પ્રસરી હતી. અંકલેશ્વર ઔધોગિક વસાહતમાં અનેકવાર આગના બનાવો બને છે. ત્યારે ફરી એકવાર આગનો વધુ એક બનાવ સામે આવ્યો હતો.
મીણ બનાવતી કંપનીમાં આગ લાગી: અંકલેશ્વર GIDCમાં આવેલ કર્માતુર ચોકડી નજીકની કેમેક્ષ કંપનીમાં સવારના 10:30 વાગ્યાના ગાળામાં અચાનક આગ ફાટી નીકળી હતી. પળવારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા. જેના કારણે દોડધામ મચી જવા પામી હતી. બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર DPMCના ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગ પર કાબૂમાં લેવાના પ્રયત્નો શરૂ કર્યા હતાં.
વિકરાળ આગે બીજી કંપનીને ઝપેટમાં લીધી: જોકે આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કંપનીની બાજુમાં આવેલ અન્ય એક કંપની પણ આગની ઝપેટમાં આવી ગઇ હતી. જેના કારણે પરિસ્થિતિ વધુ વિકટ બની હતી. અંકલેશ્વર, પાનોલી, ઝગડીયા, સહિતની વસાહતોમાંથી લગભગ 14 જેટલા ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી. નોંધનીય છે કે, અંકલેશ્વર-પાનોલી વચ્ચેના નેશનલ હાઇવે ઉપર સતત બીજા દિવસે પણ ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો.
ફાયર બ્રિગેડને પહોંચવામાં વિલંબ: અંકલેશ્વર-પાનોલી વચ્ચેના નેશનલ હાઇવે પર ટ્રાફિક જામ સર્જાતા પાનોલી GIDCના ફાયર બ્રિગેડને અંકલેશ્વર પહોંચતા વ્યાપક વિલંબનો સામનો કરવો પડ્યો હતો, પરિણામે આગની શરૂઆતમાં અગ્નિશમનની પ્રક્રિયામાં મોડુ થવા પામ્યું હતુ. મીણ બનાવતી કેમેક્ષ કંપનીમાં સ્પાર્ક થવાને કારણે આગ લાગી હતી. જે બાદમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આસપાસના અન્ય ઉદ્યોગ એકમોના સંચાલકોના જીવ તાળવે ચોંટી ગયા હતા.
મામલતદાર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે: આગે કેમેક્ષ કંપનીની બાજુમાં આવેલ એગ્રો કેમિકલ યુનિટ સેન્સો એગ્રીટેક પ્રા. લિમિટેડને પણ ઝપેટમાં લઇ લીધી હતી. તે કંપનીમાં પણ મોટું આર્થિક નુકશાન પહોંચવાં પામ્યું હતું. આગના બનાવ અંગેની જાણ થતા પ્રાંત અધિકારી, મામલતદાર, પોલીસ અધિકારીઓ, જીપીસીબી સહીત સ્થાનિક આગેવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.