સુરત: જિલ્લામાં ફરી સરાજાહેરમાં હત્યાની ઘટના સામે આવી છે. શહેરના અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલe સગરામપુરા તલાવડી ખાતે 55 વર્ષીય બિલ્ડર આરીફ કુરેશીની સરાજાહેર ત્રણથી ચાર ઈસમોએ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. ઝઘડાની અદાવતમાં હત્યા કરાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સમગ્ર મામલે અઠવાલાઇન્સ પોલીસે અજાણીયા ઈસમો વિરુદ્ધ હત્યાનો ગુન્હો નોંધી આગળની તપાસ હાથધરી છે. ઉલ્લેખનીય છે કે સુરતમાં બે દિવસમાં બે લોકોની સરાજાહેરમાં હત્યા થઇ ચુકી છે. ત્યારે પોલીસ પેટ્રોલિંગ ઉપર પણ ઘણા સવાલ ઊભા થઈ રહ્યા છે.
પોલીસનું નિવેદન: આ બાબતે ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું કે, અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા સગરામપુરા તલાવડી ખાતે 55 વર્ષીય આરીફ કુરેશીની જેઓ નમાજ અદા કરીને મસ્જિદમાંથી નીકળ્યા હતા. આ દરમિયાન તેમના પર હુમલો થયો હતો. એ રસ્તા પર પડી ગયા હતા. બાદમાં તેમના પર તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દેવાતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
ઘટના સ્થળે પહોંચી પોલીસ: ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો પહોંચી ચૂક્યો હતો. પોલીસે ઘટના સ્થળે બોડીનું પંચનામુ કરી નવી સિવિલ હોસ્પિટલ પોસમોટમ માટે મોકલી આપ્યો હતો. ઘટના સ્થળેથી પોલીસે ડીવીઆર પણ કબ્જે કર્યું છે. જે સીસીટીવીમાં બે શંકાસ્પદના વ્યક્તિઓ પણ જોવા મળી રહ્યા છે. પોલીસની ટીમ આરોપીઓને શોધવા પ્રયત્ન કરી રહી છે. ઝડપથી આરોપીઓને ઝડપી લઈને હત્યાનુ કારણ પણ સામે ટૂંક સમયમાં સામે આવી જશે.