રાજકોટઃ રાજકોટમાં સોની પરિવારનો સામૂહિક આપઘાતના પ્રયાસનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક સોની પરિવારના 9 સભ્યે ઝેરી દવા પી લેતાં તમામને સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. તમામની સ્થિતિ હાલ સ્થિર છે. મુંબઈના વેપારીને આપેલા સોનાના માલના કરોડો રૂપિયા ન આપતા સોની પરિવારે આવું પગલું ભર્યાનું એક સ્વજને જણાવ્યું છે. તેમજ બેંક લોન ભરપાઈ ન કરી શકતા સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. સોની પરિવારના 9 સભ્યે ઝેરી દવા પીધી હતી, જેથી તમામને હોસ્પિટલ ખસેડાયા હોવાનું જાણવા મળ્યું છે.
શું છે ઘટનાની સમગ્ર વિગતો? બનાવની પોલીસ પાસેથી મળતી પ્રાથમિક વિગત મુજબ રાજકોટના ગુંદાવાડીમાં આવેલા ગોવિંદપરામાં રહેતાં અને સોની બજારમાં પેઢી ધરાવતાં વેપારીએ પરિવારના બીજા 8 સભ્યો સાથે મળી ઝેરી દવા પી સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તમામ સભ્યોએ શરબતમાં ઉધઈ મારવાની દવા નાખી પી લીધી હતી. જો કે બધા સભાન હતા પણ ચક્કર આવતા સારવાર માટે હોસ્પિટલમાં પહોંચ્યા હતા. અહીં તબીબે તપાસ કરતા લગભગ તમામ સભ્યોની હાલત ભયમુક્ત જણાઇ હતી. વેપારીએ જણાવ્યું હતું કે, મુંબઇના ચાર વેપારી કે, જેઓ એકબીજાના ભાગીદાર છે. તેમણે મારી પાસેથી વિશ્વાસ કેળવી સોનાના દાગીનાની ખરીદી શરૂ કરી હતી અને શરૂઆતમાં સમયસર પેમેન્ટ ચૂકવી દીધું હતું. પરંતુ બાદમાં પોણા ત્રણ કરોડનું સોનું ખરીદી કર્યા પછી હવે લાંબા સમયથી હું ઉઘરાણી કરતો હોવા છતાં તેઓ મારી રકમ પરત આપતાં ન હોય ઘરમાં અને વેપારમાં આર્થિક ભીંસ ઊભી થતાં કંટાળીને અમે સામૂહિક આપઘાતનો નિર્ણય કર્યો હતો.
સ્વજન કેતન ઓડેસરાએ જણાવ્યું હતું કે, અમે સોની વેપારી છીએ. અમારે ઓર્ડર પ્રમાણે સોનાનું કામ કરવાનું હોય છે. અમે બહારના વેપારીને માલ આપીએ છીએ, તેમણે અમારું પેમેન્ટ આપ્યું નથી. મુંબઈના 4 વેપારી પાસેથી પોણાત્રણ કરોડ રૂપિયા લેવાના હતા. રૂપિયા માગીએ તો ટાઇમ આપ્યા રાખે છે. 11 મહિના જેટલો સમય થઈ ગયો છે. પરિવારના 9 સભ્યએ ઝેરી દવા પીધી છે. 15-15 દિવસના વાયદા આપતા હતા એટલે પોલીસ સુધી પહોંચ્યા નહોતા. પોલીસ પાસે ન જવાની ધમકી પણ આપતા. વિજય કૈલાસજી રાવલ, પ્રશાંત, મહેન્દ્ર નામના વેપારી છે. ઊધઇ મારવાની દવા પી લીધી છે. તો આ અંગે ભક્તિનગર પોલીસ જણાવ્યું હતું કે, તમામ બાબતોની તપાસ ચાલુ અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
દવા પીનાર પરિવારના સભ્યોનાં નામ
1. લલિત વલ્લભદાસ આડેસરા (ઉં.વ.72)
2. મીનાબેન લલિતભાઈ આડેસરા (ઉં.વ.64)
3. ચેતન લલિતભાઈ આડેસરા (ઉં.વ.45)
4. દિવ્યાબેન ચેતનભાઈ આડેસરા (ઉં.વ.43)
5. જય ચેતનભાઈ આડેસરા (ઉં.વ.21)
6. વિશાલ લલિતભાઈ આડેસરા (ઉં.વ.43)
7. સંગીતા વિશાલભાઈ આડેસરા (ઉં.વ.41)
8. સગીર (ઉં.વ.15)
9. એકને ઝેરની ઓછી અસર થઈ છે.