સુરત : નવા સત્રનો પ્રારંભ થયો છે. આ સાથે જ વાલીઓ હવે શૈક્ષણિક સુવિધાઓ અને ગુણવત્તાયુક્ત સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ મેળવવા આતુર થયા છે. સુરતની ખાનગી શાળાઓ છોડી સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં 6,205 અને સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિની શાળાઓમાં 954 બાળકો એમ કુલ 7,159 વિદ્યાર્થીઓએ ધો. 1 થી 8 માં પ્રવેશ મેળવી સરકારી શાળાઓ પર પસંદગી ઉતારી છે.
સરકારી શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી : આ વર્ષે સુરત શહેરની નગર પ્રાથમિક શાળાઓની બાલવાટિકાના 11,553 અને ધો. 1 ના 8,387 મળી કુલ 19,940 બાળકોએ પ્રવેશ મેળવ્યો છે. શહેરીકરણના કારણે સુરત મહાનગરપાલિકાની શાળામાં એડમિશન લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા ઉત્તરોત્તર વધી રહી છે. ખાસ કરીને પી.એમ. શ્રી અને સ્કૂલ ઓફ એક્સેલન્સ યોજના થકી સ્માર્ટ ક્લાસના માધ્યમથી ક્વોલિફાઈડ શિક્ષકો દ્વારા અપાઈ રહેલા ગુણાત્મક શિક્ષણ તેમજ શૈક્ષણિક સુવિધામાં થઈ રહેલા વધારાના કારણે વિદ્યાર્થીઓમાં સરકારી શાળામાં પ્રવેશ મેળવવા પડાપડી થઈ રહી છે.
શાળા પ્રવેશોત્સવનો હકારાત્મક પ્રભાવ : રાજ્યવ્યાપી ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ પૂર્ણ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2003 માં શરુ કરેલી શાળા પ્રવેશોત્સવની પહેલ રાજ્ય સરકારે જીવંત રાખી છે. રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના સાર્થક પરિણામો જોવા મળી રહ્યા છે. સાથોસાથ વાલીઓ સરકારી શાળામાં અપાતા ગુણવત્તાસભર શિક્ષણથી પ્રભાવિત થઈ સરકારી શાળાઓ પર પસંદગીનો કળશ ઢોળી રહ્યા છે. સરકારી શાળાઓમાં બાળકોને સ્કૂલ બેગ, યુનિફોર્મ, શૈક્ષણિક કીટ અને બુટ-મોજા વિનામૂલ્યે આપવામાં આવે છે.
ગુણવત્તાયુક્ત શિક્ષણ : જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જે. એમ. પટેલે જણાવ્યું કે, નવી શિક્ષણ નીતિ હેઠળ પ્રધાનમંત્રી સ્કૂલ ફોર રાઇઝિંગ ઇન્ડિયા (PM-SHRI) યોજના શરૂ કરી શોધલક્ષી, જ્ઞાન આધારિત શિક્ષણ પર ભાર મૂક્યો છે. જેમાં અદ્યતન ટેકનોલોજી, સ્માર્ટ વર્ગખંડ, રમતગમત પર અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કર્યું છે. સરકારે પ્રાથમિક શાળાઓને સ્કૂલ ઓફ એક્સેલન્સના રૂપમાં તબક્કાવાર બિલ્ડીંગ અને વર્ગખંડોનું અપગ્રેડેશન, તમામ ગ્રેડ માટે સ્માર્ટ ક્લાસ રૂમ, સ્ટીમ લેબ, કમ્પ્યુટર લેબ, ભાષા લેબ, રમત ગમતના સાધનો, ખાસ જરૂરિયાત ધરાવતા બાળકો માટે રિસોર્સ રૂમ અને પર્યાવરણ લેબ વિકસાવવાનું કાર્ય હાથ ધરાયું છે. જેના કારણે સરકારી શાળા પ્રત્યે બાળકોનો લગાવ વધી રહ્યો છે.
સુરતની સરકારી શાળાઓની પ્રશંસનીય સ્થિતિ :
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતના શાસનાધિકારી મેહુલ પટેલે જણાવ્યું હતું કે, શહેરમાં હાલ 335 નગર પ્રાથમિક શાળાઓ કાર્યરત છે, જેમાં 3,859 શિક્ષકો 1,58,621 બાળકોને શિક્ષણ આપી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા સુરત કોર્પોરેશન અને સર્વ શિક્ષા અભિયાનની સહિયારી ગ્રાન્ટ થકી વિદ્યાર્થીઓને વધુમાં વધુ સુવિધા મળી રહી છે. સાથે જ શિક્ષણમાં ગુણાત્મક પરિવર્તન આવ્યું છે.
સુરત મહાનગરપાલિકા એકમાત્ર એવી પાલિકા છે કે, જેમાં સાતથી વધુ ભાષામાં બાળકોને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ગતવર્ષે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલોમાં 15 હજારથી વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યા બાદ આ વખતે બાલવાટિકામાં 11,553 અને ધો. 1 ના 8,387 અને ખાનગી સ્કૂલોમાંથી નગર પ્રાથમિક સ્કૂલોમાં 6,205 જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવી શાળા પ્રવેશોત્સવના હાર્દને સાર્થક કર્યું છે.
સરકારી શાળાઓ હાઉસફૂલ : નોંધનીય છે કે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ તેમજ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિની શાળાઓમાં શિક્ષણ ગુણવત્તામાં થતો વધારો અને બીજી તરફ ખાનગી સ્કૂલોમાં શિક્ષણ મોંઘું થયું હોવાના કારણે વાલીઓ સરકારી શાળાઓ પસંદ કરી રહ્યા છે. ઘણી સરકારી શાળાઓમાં વાલીઓ પોતાના બાળકોને પ્રવેશ અપાવવા માટે ખાનગી સ્કૂલની માફક એડમિશન પ્રક્રિયા માટે અગાઉથી જ સક્રિય થઈ જાય છે, જેથી ઇંગ્લીશ મીડીયમ હોય કે ગુજરાતી માધ્યમની સ્કૂલ હોય હવે હાઉસ ફૂલની સ્થિતિ જોવા મળી રહી છે.