વલસાડ: વલસાડમાંં તારીખ 13 જૂલાઈ 2019ના રોજ બ્લોક નંબર 69માં ધોરણ 10ની પૂરક પરીક્ષાનું ગણિતનું પેપર હતું. જે પેપર આપવા માટે મૂળ વિદ્યાર્થી (બેઠક નંબર 5713537) પટેલ પિંકલ સતિષભાઈના નામ ઉપર ડમી વિદ્યાર્થી સુરેશ દામો ભોયા પરીક્ષા આપવા માટે બેઠો હતો. જે અંગે પરીક્ષા ખંડમાં નિરીક્ષક તરીકે ફરજ બજાવતા નિરીક્ષકને શંકા જતા તેમણે આચાર્યને અને જોનલ ઓફિસરને જાણ કરતા તાત્કાલિક તપાસ કરતા સુરેશ દામો ભોયા ઝડપાઈ ગયો હતો. જેની સામે વલસાડ સીટી પોલીસ મથકમાં ફરિયાદ કરાઈ હતી.
શિક્ષક ડમી વિદ્યાર્થી બનીને પરિક્ષા આપવા બેઠા: સેલવાસમાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતો સુરેશ દામો ભોયા રહેવાસી બીલ ધરી સેલવાસ ધોરણ 10 ની પૂરક પરીક્ષામાં ગણિતના પેપરમાં લવાછાના વિદ્યાર્થી પિંકલ સતિષભાઈ પટેલના નામે પરીક્ષા આપવા માટે પહોંચ્યો હતો. પરીક્ષા શરૂ થયાના દોઢ કલાક સુધી તે ગણિતનું પેપર પણ લખી રહ્યો હતો જો કે આ દરમિયાન વિદ્યાર્થીના પ્રવેશપત્ર અને વિદ્યાર્થીના સહી પત્રક ઉપર અલગ અલગ સહી હોવાને લઈને તે ઝડપાઈ ગયો હતો.
શિક્ષણ વિભાગે તેને ઝડપી પાડી કેસ કર્યો: સુરેશ દામો ભોયાને ગણિતનું પેપર લવાછાના વિદ્યાર્થી પિંકલ સતિષભાઈ પટેલના નામે ડમી વિદ્યાર્થી બની આપવા પહોંચ્યો હતો અને બોર્ડના કર્મચારીઓમાં અલગ અલગ સહી પત્રક ઉપર સહી કરતા ઝડપાઈ ગયો હતો જેને પગલે બોર્ડના કર્મચારીઓએ ડમી વિદ્યાર્થી તરીકેનો કેસ કરતા તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.
પાંચ વર્ષ બાદ કોર્ટે વિદ્યાર્થી અને ડમી બંનેને સજા સંભળાવી: 2019માં ધોરણ 10ની પૂરક પરીક્ષા જુલાઈ માસમાં ચાલી રહી હતી. ત્યારે પકડાયેલા સેલવાસના શિક્ષક સુરેશ દામો ભોયા અને વિદ્યાર્થી પટેલ પિંકલ સતિષભાઈને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ કેસ ચાલી જતા એપીપી વિજય સોલંકીની દલીલોને ગ્રાહ્ય રાખી નામદાર કોર્ટે આ બંનેને સાત વર્ષની સખત કેદની સજા સંભળાવી છે. તેમ જ રૂપિયા 30-30 હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજા ફટકારી છે.
શિક્ષણ બાબતે નામદાર કોર્ટે ખૂબ ગંભીરતા દાખવી: સમગ્ર કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે સમગ્ર મામલાને ખૂબ ગંભીરતાથી લીધો હતો અને જણાવ્યું હતું કે આ પ્રકારના પ્રકરણમાં જો ડમી વિદ્યાર્થીઓ રસીદ સાથે છેડછાડ કરી ફોટો બદલી અને પરીક્ષા આપશે તો મહેનતુ વિદ્યાર્થીઓની મહેનતનું શું થશે? તે માટે કોર્ટે આવા ડમી વિદ્યાર્થીઓ તરીકે પરીક્ષા આપનારાને કડકમાં કડક સજા થાય તે માટે ગંભીરતા પૂર્વક મામલાને લઈ જજમેન્ટ આપ્યું છે. આમ વલસાડ જિલ્લામાં વર્ષ 2019 માં ડમી વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપનારા સેલવાસના શિક્ષક અને મૂળ વિદ્યાર્થીને પણ સાત વર્ષની સજા કોર્ટે સંભળાવી તેમજ 30-30 હજારનો રૂપિયાનો દંડ પણ સંભળાવ્યો હતો અને જો દંડની રકમ ન ભરાય તો વધુ ત્રણ માસની સાદી સજા સંભળાવી છે.
આ પણ વાંચો: