સુરત : સ્મીમેર હોસ્પિટલમાં બાયો કેમેસ્ટ્રી વિભાગમાં ફરજ બજાવતા ડોક્ટર સાથે તેના જ સાથી ડોક્ટર અને તેના બે ભાગીદારોએ ઠગાઈ કરી છે. આરોપીઓએ એમ્બ્યુલન્સના ધંધામાં નફો આપવાની વાત કરીને ફરિયાદી અને તેના અન્ય 12 મિત્રો પાસેથી કુલ રૂ. 5.24 કરોડ જેટલી રકમ ઉઘરાવી બાદમાં ઠગાઈ કરી હતી. આ અંગેની ફરિયાદ ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાઈ, તેની તપાસ સુરત ઇકો સેલને સોંપવામાં આવી છે.
સુરતમાં ડોક્ટર સાથે ઠગાઈ : આ અંગે સુરત ઇકો સેલ પાસેથી મળતી વિગતો મુજબ ફરિયાદી કિપલકુમાર અરવિંદ શહાણે અલથાણ ભીમરાડ કેનાલ રોડ પર આવેલા આકાશ એપાર્ટમેન્ટમાં રહે છે. તથા સ્મીમેર હોસ્પિટલમાં બાયો કેમેસ્ટ્રી વિભાગમાં ટીચર તરીકે ફરજ બજાવે છે અને પોતે તબીબ છે. ઓગસ્ટ 2021 માં ફરિયાદીને સ્મીમેરમાં ટીચર તરીકે ફરજ બજાવતા ડો. હાર્દિક રમેશ પટવા સાથે એમ્બ્યુલન્સમાં રોકાણ કરવાની વાત થઈ હતી.
લોભામણી ઓફર : હાર્દિક પટવાએ ફરિયાદીને કહ્યું કે, હું મારા બે ભાગીદારો હેમંત ડાહ્યા પરમાર અને મયુર વાલ્મીકી ગોસ્વામી સાથે મળીને એમ્બુલન્સ ભાડેથી આપીને સારો નફો કમાઈ લઈએ છીએ. તમારે જો અમારી સાથે ધંધો કરવો હોય તો હું તમને 50 ટકા નફો આપીશ અને બાકીના 50 ટકા અમે રાખી લેશું.
એમ્બ્યુલન્સના ધંધામાં નફો : આરોપીએ સનસાઈ એમ્બ્યુલન્સ સર્વિસ અને યગ્સ એમ્બ્યુલન્સ સર્વિસના નામથી ધંધો કરતા હોવાનું કહ્યું હતું. સાથે જ એક જે. એસ. ડબ્લ્યુ સ્ટીલ કંપની લિમિટેડનો સર્વિસ ઓર્ડર પણ બતાવ્યો હતો, જેમાં 8 એમ્બ્યુલન્સ આપી હોવાનું કહ્યું હતું. અને જો પેશન્ટને ગુજરાતની બહાર લઈ જવાના હોય તો એક ટ્રીપના એક લાખ રૂપિયા મળતા હોવાની પણ લાલચ આપી હતી.
સાડા પાંચ કરોડની ઠગાઈ : આ વાતચીત બાદ ડો. કપિલ શહાણેએ પોતાના બીજા તબીબ મિત્ર કેયુર પ્રજાપતિને એમ્બ્યુલન્સના ધંધા વિશે વાત કરી અને બીજા મિત્રોને પણ આ વાતથી માહિતગાર કર્યા હતા. હાર્દિક પટવા સાથે ડો.કપિલ શહાણે અને ડો.કેયુર પ્રજાપતિએ મીટીંગ કરી હતી. અહીં પણ હાર્દિક અને તેના ભાગીદારોએ માત્ર 8 એમ્બ્યુલન્સમાં જ 3.46 કરોડનો નફો મળશે તેવી વાત કરીને શીશામાં ઉતારી દીધા હતા. ડો.કપિલ અને ડો.કેયુર સહિત અન્ય 11 લોકોએ એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણ કરવાની તૈયારી બતાવી હતી.
બે આરોપીની ધરપકડ : ડૉ. હાર્દિક પટવા અને તેના બે ભાગીદારો હેમંત ડાહ્યાભાઈ પરમાર અને મયુર વાલ્મિકીએ ભેગા મળીને એમ્બ્યુલન્સ ખરીદવા અને તેને કોન્ટ્રાક્ટ પર અલગ અલગ જગ્યાએ મૂકવા માટેના કુલ રૂ. 5.24 કરોડ લઈ લીધા હતા. ત્યારબાદ ત્રણેય જણાએ હાથ ઊંચા કરી દીધા અને રૂપિયા એમ્બ્યુલન્સના ધંધામાં નહીં રોકીને તેનો અંગત ઉપયોગ કરીને ઠગાઈ કરી હતી. આ બાબતે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાઈ હતી, જેની તપાસ સુરત ઇકો સેલને સોંપવામાં આવી છે.
પોલીસ ફરિયાદ : સુરત ઇકો સેલના પોલીસ ઇન્સ્પેક્ટર એન. જી. ચૌધરીએ જણાવ્યું કે, એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણના નામે હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટરે કરોડો રૂપિયાનું ફુલેકુ ફેરવ્યું છે. આ પ્રકરણમાં બે એમ્બ્યુલન્સ સંચાલક હેમન પરમાર અને મયુર ગોસ્વામીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ લોકો એમ્બ્યુલન્સને કોન્ટ્રાકટ પર મૂકવા માટે કુલ રૂ. 5.24 કરોડ લીધા બાદ હાથ ઊંચા કરી દીધા હતા. બાદમાં તેમણે રૂપિયા ધંધામાં નહીં રોકીને તેનો અંગત ઉપયોગ કર્યો હતો.