સુરત: જિલ્લાના ડિંડોલી વિસ્તારમાં આવેલા સન્મુખ સર્કલ પાસે સાંઈ શક્તિ સોસાયટીમાં ગઈકાલે લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો. ત્યારે ત્યાં ડીજેને તાલે લોકો ઝૂમી પણ રહ્યા હતા. ત્યાં જ મોડી રાતે ઉમેશ તિવારી નામના શખ્સ 3 થી 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં ડીજેના તાલે ઝૂમી રહેલા 2 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જે જોતા લોકો દોડી આવ્યા હતા અને બંને યુવકોને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બીજી બાજુ ઘટનાની જાણ થતા ડિંડોલી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી.
ફાયરિંગમાં 2 લોકો ઘાયલ: આ બાબતે ડીસીપી ભગીરથસિંહ ગઢવીએ જણાવ્યું કે, ડિંડોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા સુમુખ સર્કલ પાસે સાંઈ શક્તિ સોસાયટીમાં મોડી રાત્રે અકસ્માતે ફાયરિંગનો બનાવ સામે આવ્યો હતો. જેમાં ફાયરિંગ કરનારા શખ્સ ઉમેશ તિવારીએ 3થી 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં 3 રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હતું અને બીજા 2 રાઉન્ડ ફાયર કરતા 2 વ્યક્તિઓ જેમાંથી સંતોષ દુબેને પગમાં ગોળી વાગી હતી અને વિરેન્દ્ર વિશ્વકર્મા નામના વ્યક્તિને પગમાં ગોળી વાગવાથી ઇજા થઇ હતી. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલે ખસેડાયા હતા. આ બનાવ પછી ફાયરિંગ કરનારા શખ્સ સામે સંતોષ દૂબેએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
ઘટનાના CCTV સામે આવ્યા: બીજી બાજુ આ બનાવની જાણ થતા જ ડિંડોલી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જ્યાં પોલીસે હાજર લોકો અને ઘાયલ 2 લોકોનું નિવેદન લીધું હતું. હાલ આ મામલે પોલીસે આરોપી ઉમેશ તિવારીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરી હતી. આરોપી પાસે લાયસન્સવાળી બંદૂક હતી જેનાથી તેને ફાયરિંગ કર્યું હતું. પોલીસે આરોપીની બંદૂકનું લાઇસન્સ રદ કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી. જે બાદ પોલીસે ઘટના સ્થળનું પંચનામુ કર્યું છે. આ સમગ્ર ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. જેમાં આરોપીએ હવામાં ફાયરિંગ કર્યું હતું. જે CCTVમાં સ્પષ્ટ જોઇ શકાય છે.
આરોપી ભાજપનો કાર્યકર છે: આરોપી ઉમેશ તિવારી ઘણાં વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છે. સુરતના મોટા નેતાઓ પોલીસ અધિકારીઓ સાથે તેના ફોટોઝ પણ તેણે સોશિયલ મીડિયા ઉપર મૂક્યા છે. તે સાથે ડિંડોલીના વોર્ડ નંબર 27 માટે તેણે દાવેદારી પણ નોંધાવી છે. હાલ આ મામલે આરોપી ઉમેશ તિવારીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: