મોરબી: રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા શિક્ષણ અધિકારીએ બઢતી ન સ્વીકારતા શિક્ષણ વિભાગ દ્વારા ત્રણેય DEOને મૂળ જગ્યાએ પરત મોકલવાનો આદેશ કરવામાં આવ્યો છે. જેમાં રાજકોટ, જામનગર અને બોટાદના જિલ્લા શિક્ષણ અધિકારીનો સમાવેશ થાય છે. આ ત્રણેય જિલ્લા શિક્ષણ અધિકારીની અગાઉ વર્ગ - 2 માંથી વર્ગ - 1 માં બઢતી કરવામાં આવી હતી. જેમાં ત્રણેય DEO એ ચાર્જ લીધા બાદ અલગ અલગ કારણોસર વર્ગ - 1 માંથી વર્ગ - 2 માં જવા માટે અરજી કરી હતી. તેના પર રાજ્યના શિક્ષણ વિભાગે નિર્ણય લીધો છે.
3 DEO એ બઢતી ન સ્વીકારી : ત્રણેય જિલ્લા શિક્ષણ અધિકારીને મૂળ જગ્યાએ પરત મોકલી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને ચાર્જ સોંપવામાં આવ્યો છે. રાજ્યનાં શિક્ષણ વિભાગનાં નાયબ સચીવ આર. સી. દેસાઈએ કરેલા પરિપત્ર મુજબ, રાજકોટ શહેરના જિલ્લા શિક્ષણ અધિકારી નીલેશ રાણીપાને મોરબીના વાંકાનેરની મોડેલ સ્કૂલ, બોટાદના જિલ્લા શિક્ષણ અધિકારી પ્રતિપાલસિંહ ગોહિલને ભાવનગરના પાલીતાણાના માનવડની મોડેલ સ્કૂલ તો જામનગરના જિલ્લા શિક્ષણ અધિકારી ભરતકુમાર વિડજાની મોરબીના માળિયા મિયાણાની મોટી બરારમાં મૂળ જગ્યાએ પરત ફરજનો ઑર્ડર કરવામાં આવ્યો છે.
DPEO ને ચાર્જ સોંપાયો : રાજકોટ સહિત સૌરાષ્ટ્રના 3 જિલ્લા શિક્ષણ અધિકારીએ બઢતીનો અસ્વીકાર કરતા તેઓને મુળ જગ્યાએ પરત મોકલી દેવામા આવ્યા છે. જ્યારે જે તે જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને જિલ્લા શિક્ષણ અધિકારીનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. જેમાં રાજકોટના DEO નો ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલને આપવામા આવ્યો છે. જ્યારે જામનગર DEOનો ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિપુલ મહેતા અને બોટાદ DEO નો ચાર્જ ત્યાંના જ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડૉ. ભરતકુમાર વાઢેરને આપવામા આવ્યો છે.