સુરત: આજે સોમવારે સવારના 6.00 વાગ્યાથી મેઘરાજા તમામ તાલુકાઓમાં અનરાધાર વરસી રહ્યા છે. સવારના 6.00 થી બપોરના 2.00 વાગ્યા સુધીમાં સૌથી વધુ પલસાણા તાલુકામાં 114 મી.મી. એટલે કે સાડા પાંચ ઈંચ, બારડોલી અને કામરેજમાં ચાર-ચાર ઈંચ, મહુવામાં 18 મી.મી, ઓલપાડમાં 15 મી.મી, માંગરોળમાં 12 મી.મી, ઉમરપાડામાં 77 મી.મી, માંડવીમાં 66 મી.મી, સુરત શહેરમાં 42 મી.મી અને ચોર્યાસીમાં 34 મી.મી જેટલો વરસાદ વરસ્યો છે.

સુરત જિલ્લામાં ભારે વરસાદના કારણે માર્ગ અને મકાન વિભાગના પંચાયત હસ્તકના 22 રસ્તાઓ ઓવર ટોપીંગ તકેદારીના ભાગરૂપે બંધ કરાયા છે. જેમાં માંડવી તાલુકાના મોરીઠા કાલિબેલ રેગામા રોડ, ઉશ્કેર મુંજલાવ બૌધાન રોડ તથા ઉશ્કેરથી મુંજલાવ બૌધાન રોડ, ઉમરસાડી ખરોલી, મોરીઠા કાલિબેલ રેગામા રોડ એમ પાંચ રસ્તાઓ બંધ કરાયા છે. જયારે પલસાણા તાલુકામાં બગુમરા બલેશ્વર, બગુમરાથી તુંડી, ઓલ્ડ બી.એ.રોડ પાર્કીગથી ચલથાણ બલેશ્વર પલસાણા ગામ સુધી, મલેકપુર સીસોદરા રોડ, તુંડીથી દસ્તાન, કામરેજના પરબથી જોળવાના રસ્તાઓ બંધ કરાયા છે.

બારડોલી તાલુકાની વાત કરીએ તો ખસવાસા મોવાછી જોઈનીગ સામપુરા, વડોલીથી બાબલા, ખોજ પારડી વાઘેચા જોઈનીગ એસ.એસ. 167 રસ્તો, સુરાલી કોટમુંડાથી બેલ્ધા, સુરાલી ધારીયા ઓવારા, વડોલી અંચેલી, સુરાલી સવિન જકાભાઈના ઘરથી ધારીયા કોઝવે સુધી, ખોજ પારડીથી વાઘેચા, ટીમ્બરવા કરચકા સુધી, રામપુરા એપ્રોચ જેવા ગામ-ગામને જોડતા પંચાયત હસ્તકના 10 રસ્તાઓ વરસાદી પાણીના કારણે બંધ કરાયા છે. જેથી વાહન ચાલકો વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરી શકશે.

બપોરે 2.00 વાગ્યાની સ્થિતિએ ઉકાઈ ડેમની સપાટી 313.65 ફુટ છે. ડેમમાં 20,906 કયુસેકસ પાણીની આવક છે, જયારે 600 કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જયારે ઉકાઈનું રૂલ લેવલ 333 ફુટ છે.