બારડોલી: આજે સવારથી બારડોલી સહિત સુરત જિલ્લામાં પણ ભારે વરસાદ વરસવાનું શરૂ થયું હતું. બારડોલી ઉપરાંત મહુવા અને પલસાણામાં પણ આજે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. બારડોલીમાં 2.20 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જિલ્લામાં ભારે વરસાદને કારણે 17 જેટલા રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી હતી.
આજે અઠવાડીયાની શરૂઆત ગાજવીજ સાથે શરૂ થયેલા વરસાદથી થઈ હતી. બારડોલી સહિત જિલ્લામાં ઠેર ઠેર અડધાથી અઢી ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. બારડોલીમાં 56મીમી એટલે કે 2.2 ઇંચ જેટલો વરસાદ થતાં પાણી પાણી થઈ ગયું હતું.
ઉકાઈ ડેમમાંથી પાણી છોડતા હરીપુરા કોઝવે ડૂબ્યો
ઉકાઈ ડેમમાંથી 1.40 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા તાપી નદીનું જળસ્તર વધી જવાથી કડોદ નજીકથી પસાર થતો કોઝવે પાણીમાં ગરક થઈ જતાં વાહન વ્યવહાર બાધિત થયો છે. નદીને પેલે પાર આવેલા 12 જેટલા માંડવી તાલુકાના ગામોનો બારડોલી અને કડોદ સાથેનો સીધો સંપર્ક કપાઈ ગયો છે. ખાસ કરીને નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીવર્ગને 20 થી 25 કિમીનો ચકરાવો લગાવવો પડે છે.
સુરત જિલ્લાના 17 રસ્તાઓ બંધ
બારડોલી સહિત સુરત જિલ્લામાં કુલ 17 જેટલા રસ્તાઓ બંધ થઈ ગયા હતા. રસ્તાઓ પર પાણી ફરી વળતાં સલામતીના કારણોસર તંત્ર દ્વારા રસ્તા બંધ કરવામાં આવ્યા હતા. બંધ કરાયેલા રસ્તાઓમાં બારડોલીના જૂની કિકવાડ ગભેણી ફળિયા રોડ, ખરવાસા મોવાછી જોઈનીંગ સામપુરા રોડ, ખરડ એપ્રોચ રોડ, સૂરાલી કોતમુંડા થી બિલ્ધા રોડ, સુરાલી સવિન જકાભાઇના ઘરથી ધારિયા કૉઝવે રોડ, સુરાલી ધારિયા રોડ અને મહુવા તાલુકામાં મહુવારિયા કાકરીમોરા રોડ, મહુવારીયા લીમડી ફળિયા રોડ, આંગલધરા પારસી ફળિયા રોડ, કોષ ખાખરી ફળિયા થી ચઢાવ રોડ, માછી સાદડા એપ્રોચ રોડ અને મહુવા ઓંડચ આમચક કાવિઠા નિહાલી રોડ અને માંડવી તાલુકાના મોરિઠા કાલીબેલ રેગામા રોડ, દેવગઢ અંધારવાડી લીમ્ધા રોડ, ઉમરસાડી ખરોલી રોડ, ગોડાસંબા કરવલ્લી ટિટોઈ સાલૈયા અને વલારગઢ રોડ સલામતીને ધ્યાને રાખી બંધ કરવામાં આવ્યા છે.
મહુવા તાલુકાના ચાર ગામોના 216 લોકોનું સ્થળાંતર કરાયું: સુરત જિલ્લામાં તથા ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે મહુવામાંથી પસાર થતી પૂર્ણા તથા ઓલણ નદીનું જળસ્તર વધી તકેદારીના ભાગરૂપે જતા ચાર ગામોના 216 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જેમાં પુર્ણા નદીકિનારે આવેલા મહુવાના 78 તથા મિયાપુરના 47, ઓલણ નદીના કાંઠે આવેલા ભોરીયા ગામના 84 તથા ભગવાનપુરાના 7 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
સુરત જિલ્લામાં વરસાદ
સુરત જિલ્લામાં સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધી,આ સરેરાશ 29.7 મીમી વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ માંડવી તાલુકામાં 68મીમી, ઓલપાડમાં 0 મીમી, માંગરોળમાં 29મીમી, ઉમરપાડામાં 20મીમી, કામરેજમાં 27મીમી, ચોર્યાસીમાં 10મીમી, પલસાણામાં 28મીમી, બારડોલીમાં 56મીમી, મહુવામાં 51મીમી વરસાદ થયો છે.
શેરડીની રોપણીને અસર
સુરત જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં 1લી સપ્ટેમ્બરથી શેરડી રોપણીની શરૂઆત થતી હોય છે. પરંતુ બીજા જ દિવસે વરસાદ થતાં ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે. શેરડી રોપણી થઈ ગયા બાદ ખેતરોમાં પાણીનો ભરાવો થતાં રોપેલી શેરડી પર પ્રતિકૂળ અસર થવાની સંભાવના છે. ખેતરોમાં પાણી ભરાય જતાં ખેડૂતોએ હાલ શેરડી રોપણી માંડી વાળ્યું છે. પરંતુ વહેલી કાપણીની તારીખ લેવા માટે કેટલાક ખેડૂતોએ વરસતા વરસાદમાં પણ રોપાણ કાર્ય ચાલુ રાખ્યું હતું.