કચ્છ: જિલ્લામાં ભારે વરસાદ બાદ હવે રોગચાળો માથું ઊંચકી રહ્યું છે. કચ્છના સરહદી અને દુર્ગમ એવા લખપત અને અબડાસા તાલુકામાં ન્યૂમોનિયા જેવાં લક્ષણ ધરાવતા ભેદી તાવથી 16 લોકોનાં મોત થતાં રાજ્યસ્તર સુધી તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. સૌથી વધારે અસરગ્રસ્ત વિસ્તારો લખપત અને અબડાસાનાં ગામોમાં આરોગ્ય સેવાઓ કથળી છે. ત્યારે હજુ સુધી લખપત તાલુકામાં ભેદી તાવનો ભેદ હજી ઉકેલાયો નથી.
આરોગ્ય માળખું સુધરે તેવા પ્રયત્નો: રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ લખપત અને અબડાસા તાલુકામાં શંકાસ્પદ તાવથી મોત બાદ ઉદ્ભવેલી સ્થિતિનો તાગ મેળવવા માટે કચ્છ પહોચ્યાં છે. ત્યારે સાથે જ કચ્છના પ્રભારી પ્રફુલ્લ પાનસરિયા કચ્છની પ્રવર્તમાન આરોગ્ય માળખાંની સમીક્ષા કરવાના છે, ત્યારે ખાસ કરીને લખપત અને અબડાસા તાલુકામાં આરોગ્ય માળખું સુધરે તે દિશામાં સક્રિય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
48 જેટલા સાદા તાવના કેસ: અત્યાર સુધીમાં લખપત- અબડાસા તાલુકાના 21 ગામમાં 12,000થી વધુ લોકોની 45 ટીમ દ્વારા કરવામાં આવેલ તપાસ અને સર્વેલન્સમાં 48 જેટલા સાદા તાવના કેસ મળ્યા હતા. ત્યારે આરોગ્ય વિભાગની ટીમો દ્વારા તાલુકામાં ફોગીંગ, કલોરીનેશન સહિતની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. અત્યાર સુધીમાં 1 અઠવાડિયામાં 16 જેટલા લોકોના મોત થતાં આરોગ્ય વિભાગની સ્થાનિકની 25 ટીમ અને રાજકોટ અને ગાંધીનગરથી રેપિડ રિસ્પોન્સ ટીમો પણ આવીને સર્વેક્ષણ કરી રહી છે.
મોતનો કુલ આંકડો 16 પહોંચ્યો: ઉલ્લેખનીય છે કે, આ અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને વાયરલ તાવ, શરદી, ઉધરસ, પેટના દુ:ખાવાની ફરિયાદો વધતી જાય છે. ત્યારે ગઈકાલે અબડાસાના ભારાવાંઢમાં 2 મોત થયા હોવાથી ફફડાટ ફેલાયો છે. જેથી મોતનો કુલ આંકડો 16 પહોંચ્યો છે. આમ જીલ્લામાં ચોમાસા બાદ સામાન્ય તાવનો ઉછાળો તો હંમેશાં જોવા મળતો હોય છે. હાલમાં 1 અઠવાડિયામાં વાવાઝોડા બાદ આ ભેદી વાયરસ કહેર મચાવતા લખપતમાં ભેખડો, સુડધ્રો, મેડી સહિતના ગામોમાં 14 લોકોનાં મોત નિપજ્યાં છે.
રાજકોટ-કચ્છની 35થી વધુ આરોગ્ય ટીમો: અબડાસાના ભારાવાંઢમાં 34 વર્ષીય મહિલા તથા 13 વર્ષીય બાળક સહિત વધુ 2 મોત થતાં જત સમાજ સહિત અબડાસાના પંથકમાં હાહાકાર મચી ગયો છે. જીલ્લામાં ભેદી રોગના કારણે તપાસ માટે રાજકોટ-કચ્છની 35થી વધુ આરોગ્ય ટીમો, અસરગ્રસ્ત વિસ્તારમાં ફોગીંગ, દવા છંટકાવ, પાણી કલોરીનેશન સહિતની સર્વે કામગીરીમાં જોડાઈ છે.
આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્ર સાથે બેઠક: બીજી બાજુ ગુજરાતના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ તેમજ જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલ પાનસેરિયા અસરગ્રસ્ત અબડાસા લખપતની મુલાકાત લેવા કચ્છ પહોંચ્યા છે. જ્યાં તેમને આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્ર સાથે બેઠક યોજીને હાલની પરિસ્થતિ અંગે માહિતી મેળવી હતી. લખપતના ગામોમાં આ ભેદી તાવનો ભેદ હજુ પણ અકબંધ રહેતા લોકોમાં તર્ક-વિતર્ક વહેતા થયા છે. આ તાવના દર્દીઓ નખત્રાણા, ભુજ, રાજકોટ, અમદાવાદ સુધી સારવાર અર્થે પહોંચ્યા છતાં પણ પરિણામ દુ:ખદ આવ્યું છે અને તેઓ મોતને ભેટ્યા છે.
આરોગ્યની પ્રવર્તમાન સ્થિતિની સમીક્ષા: ભેદી તાવનો ભેદ હજુ ખૂલ્યો નથી. ત્યારે સૌ પુનાના અહેવાલમાં શું પરિણામ આવે તેની રાહ જોઇ રહ્યા છે. આરોગ્ય મંત્રી અને પ્રભારી કલેક્ટર કચેરી ખાતે વહીવટીતંત્રના અધિકારીઓ તેમજ આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને લખપત અને અબડાસા તાલુકામાં શંકાસ્પદ તાવના કેસની સ્થિતિની સમીક્ષા કરી હતી. ઉપરાંત કચ્છ જિલ્લામાં ઉપલબ્ધ આરોગ્ય સેવાઓ અને તબીબી માળખાંકીય સુવિધાઓ અંગે બેઠકમાં સમીક્ષા કરી હતી અને બેઠક બાદ આરોગ્યમંત્રી લખપત અને અબડાસા વિસ્તારોની જાત મુલાકાત લઈને આરોગ્યની પ્રવર્તમાન સ્થિતિની સમીક્ષા કરશે.
આરોગ્ય મંત્રીએ પત્રકાર પરિષદ યોજી: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રભારી પ્રફૂલ પાનસેરિયાએ પત્રકાર પરિષદ યોજી હતી. કચ્છ જિલ્લાના લખપત અને અબડાસા તાલુકામાં શંકાસ્પદ તાવના કેસની પ્રર્વતમાન પરિસ્થિતિને લઈને માહિતી આપી હતી. ભૂજની કલેક્ટર કચેરીએ પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 48 તાવના કેસ સામે આવ્યા છે. છેલ્લા 10 દિવસમાં 16 વ્યક્તિઓના શંકાસ્પદ બીમારીના કેસમાં મોત નિપજ્યા છે. ભૂજની અદાણી હોસ્પિટલમાં વધારાના 100 બેડની સગવડ રાખવામાં આવી છે. 2234 જેટલા લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે.
તમામ દર્દીઓને નિ:શુલ્ક સારવાર અપાશે: કુલ 7 ગામો અસરગ્રસ્ત છે. ત્યાં સર્વેલન્સમાં ટીમો તૈનાત રહેશે, 108ની ટીમ પણ ડેપ્યુટ કરી છે. આ સાથે તમામ દર્દીઓને તમામ સારવાર નિઃશુલ્ક આપવામાં આવશે. તેમજ અન્ય જિલ્લામાંથી 50 જેટલી તબીબોની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. તાવના સેમ્પલ પૂના ખાતે મોકલાયા છે, હાલમાં કોઈને કોવિડ નથી રિપોર્ટ પછી મોતનું કારણ સામે આવશે. ત્યારે હાલ જીલ્લામાં ચિંતાજનક પરિસ્થિતિ નથી તેવું આરોગ્ય મંત્રી જણાવ્યું હતું. અત્યાર સુધીમાં મોતને ભેટેલા લોકોના કારણ અંગે વાતચીત કરતા આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, આ લોકો દવાખાને મોડા આવ્યા હોવાના કારણે મોત નિપજ્યા છે. તેવું નિવેદન આપ્યું હતું તો દર્દીઓના સંપર્કમાં આવેલ લોકોના પણ સેમ્પલો લેવામાં આવ્યા છે.
આ પણ વાંચો: