ભાવનગર: શહેરમાં વરસાદના મોસમમાં વાયરસ વધારે સક્રિય બનતા હોય છે અને મચ્છરોનો ત્રાસ વધતો હોય છે, ત્યારે રોગચાળો ફેલાવાની શક્યતા રહે છે. ભાવનગર શહેરમાં ડેંગ્યુના કેસો સામે આવ્યા છે. આ સાથે મેલેરિયાના પણ કેસો નોંધાયા છે, ત્યારે મહાનગરપાલિકાના અર્બન વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરમાં શું કામગીરી થઈ છે ચાલો જાણીએ.
શહેરમાં મચ્છરોનો ત્રાસ બાદ મેલેરીયા-ડેંગ્યુના કેસ: ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કુંભારવાડામાં તાજેતરમાં જ ડેંગ્યુના 2 કેસો સામે આવ્યા છે. જો કે મેલેરિયાના કેસો પણ નોંધાતા આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે. ચોમાસાની સિઝનમાં મચ્છરોનો ત્રાસ વધવાની સાથે તાવ, મેલેરિયા, ડેંગ્યુ, શરદી, ઉધરસ અને ઝાડા ઉલ્ટીના કેસોમાં પણ વધારો થવા આવ્યો છે. ત્યારે ભાવનગરમાં ડેંગ્યુ અને મેલેરિયાના કેસો આવતા તંત્ર પણ સતર્ક બની ગયું છે.
શહેરમાં કેટલા કેસો નોંધાયા અને તંત્ર દ્વારા કામગીરી: ભાવનગર પાલિકાના અર્બન વિભાગના બાયોલોજીસ્ટ ડો. વિજય કાપડીયાએ જણાવ્યું કે, હાલમાં અર્બન મેલેરિયા વિભાગ દ્વારા જાન્યુઆરીથી આજ દિન સુધીમાં ડેંગ્યુના 13 કેસો, મેલેરિયાના 2 કેસો અને ચિકનગુનિયાના 4 કેસો નોંધાયેલા છે. જે અંતર્ગત હાલમાં ઘરે ઘરે જઇને સર્વેલન્સ કામગીરી શરુ કરવામાં આવી છે, અંદાજિત 237 વર્કર બહેનો સાથે રાખીને ઘરે ઘરે જઇને દવા છાંટવાનું કામ અને પોરાનાશક કામગીરી કરવામાં આવી છે તેમજ પ્રિવન્સ સર્વેલન્સ કામગીરી પણ શરુ કરવામાં આવી છે. ગત અઠવાડીયામાં શંકાસ્પદ કેસના નમૂના લેવાયા છે જેમાંથી કોઇ પણ પોઝીટીવ જણાયેલ નથી.
વરસાદી પાણીમાં પોરાનાશક માછલીઓ મુકાઇ:અર્બન વિભાગના બાયોલોજીસ્ટ ડો. વિજય કાપડીયાએ જણાવ્યું કે, શહેરમાં વિવિધ જગ્યાએ કાયમી પાણીના સ્ત્રોતો છે ત્યાં પોરાનાશક ગપ્પી માછલીઓ મૂકવામાં આવી છે. તેમજ જરુર જણાય તો આજુબાજુના ઘરોમાં તમામ જગ્યાએ ફોગીંગ કામગીરી કરવામાં આવી છે અને જ્યાં પણ ફરિયાદ નોંધાઇ અથવા તો સ્ટાફની જરુર જણાઇ તો સ્પ્રિંગ કામગીરી કરવામાં આવી છે. આમ છતાં ગત વર્ષે 37 જેટલા ડેંગ્યુના કેસો વર્ષ દરમિયાન નોંધાયા હતા. ત્યારે ચાલું વર્ષે 7 મહિનામાં માત્ર 13 કેસો નોંધાયા છે. જો કે લોકજાગૃતિ માટે મચ્છરોને પગલે હોવાથી તાવ જેવા કેસોમાં ઘટાડો આવતો હોવાનું પણ અનુમાન છે.