બનાસકાંઠા: અંબાજીના પાંછા નજીક આજે આશરે 10 ફૂટ લાંબો અજગર દેખાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. અજગર દેખાવાના સમાચાર મળતા આસપાસના લોકોના ટોળેટોળા જોવા મળ્યા હતા. ચોમાસાની ઋતુ હોવાથી વરસાદી પાણી સાથે અજગર અને મગર જેવા વન્યજીવો રહેણાંક વિસ્તારમાં આવતા હોય છે, ત્યારે અજગર દેખાતા હાજર લોકોએ અંબાજીના જાણીતા સ્નેક કેચર સાગર બારોટને જાણ કરી હતી, જે બાદ તેઓ ઘટના સ્થળે પહોંચીને આ અજગરનું રેસ્ક્યૂ કર્યું હતું અને અજગરને જંગલમાં સુરક્ષિત સ્થળે છોડી દેવામાં આવ્યો હતો.
વન્યજીવો રાત્રિના સમયે સેવા કેમ્પોમાં ન ઘૂસે તે માટે વ્યવસ્થા: આગામી દિવસોમાં ભાદરવી પૂનમનો મેળો શરૂ થવાનો છે. આ દરમિયાન રોડની આજુબાજુ સેવા કેમ્પો લાગતા હોય છે અને આ સેવા કેમ્પોમાં રાત્રિના સમયે પણ યાત્રાળુઓ વિસામો લેતા હોય છે, ત્યારે આવા વન્યજીવો રાત્રિના સમયે સેવા કેમ્પોમાં ન ઘૂસે તે માટે લાઇટિંગ સહિત સાફ સફાઈ પણ તંત્ર દ્વારા રોડની બંને બાજુએ કરવામાં આવી છે.
અંબેના નાદ ગુંજાવી અંબાજીમાં મા અંબાના દર્શન: બીજી તરફ અંબાજીમાં આજે પણ ધીમીધારે વરસાદની શરૂઆત થઈ હતી. જેથી બજારોમાં રોડ રસ્તા ભીંજાયા હતા. વરસાદી માહોલ વચ્ચે પણ મા અંબા પ્રત્યેની આસ્થા ભક્તોમાં જોવા મળી હતી અને વરસાદી માહોલ વચ્ચે તેઓ જય અંબેના નાદ ગુંજાવી અંબાજીમાં મા અંબાના દર્શને આવતા જોવા મળ્યા હતા.
આ પણ વાંચો: