રાજકોટ: જિલ્લાની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠક મળી હતી. આ બેઠક બાદ 12 આસિસ્ટન્ટ પ્રોફેસરને કાયમી કરવાના અટકેલા ઓર્ડર બાબતે નિર્ણય થઈ ગયો હતો અને તેમાં 10 આસિસ્ટન્ટ પ્રોફેસરને કાયમીના ઓર્ડર આપવામાં આવ્યા છે. જ્યારે યુનિવર્સિટીની 1,542 ચોરસ મીટર જમીન કોર્પોરેશન દ્વારા બિલ્ડરને દેવા મામલે પણ ચર્ચા થઇ હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠક મળી હતી. આ બેઠક બાદ 12 આસિસ્ટન્ટ પ્રોફેસરને કાયમી કરવાના અટકેલા ઓર્ડર બાબતે નિર્ણય થઈ ગયો હતો.
10 આસિસ્ટન્ટ પ્રોફેસરને કાયમી ઓર્ડર: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 10 આસિસ્ટન્ટ પ્રોફેસરને કાયમીના ઓર્ડર આપવામાં આવ્યા હતા. જેમાં મનોવિજ્ઞાન ભવનમાં ડૉ. ધારા દોશી, બાયોસાયન્સ ભવનના સુરેશ ચોવટીયા, ભૌતિકશાસ્ત્ર ભવનમાં મેઘા વાગડીયા, ડૉ. ડેવિટ ધ્રુવ, ફાર્મસીમાં સ્તુતિ પંડ્યા અને તે જ ભવનમાં પ્રિયા પટેલ અને મેહુલ રાણા અને નેનો સાયન્સમાં જયસુખ મારકણા, અંગ્રેજીમાં હેના મુલિયાણા અને વિરલ શુક્લાની કાયમી આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે નિમણૂક કરવામાં આવી છે. જ્યારે ગણિતશાસ્ત્ર ભવનમાં નિમણૂક પામેલા કલ્પેશ પોપટ સામે ગુજરાત હાઇકોર્ટમાં એક ઉમેદવારે અરજી કરી હોવાથી નિર્ણય પેન્ડિંગ રાખવામાં આવ્યો છે. જ્યારે બી. આર. આંબેડકર ચેરમાં રીસર્ચ આસિસ્ટન્ટ તરીકે રવિ ધાનાણીને નિમણૂક કરવામા આવેલી છે.
જમીન નિયમ મુજબ આપવામાં આવી: જ્યારે યુનિવર્સિટીની 1,542 ચો.મી. જમીન કોર્પોરેશન દ્વારા બિલ્ડરને દેવા મામલે મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ દ્વારા કરવામા આવેલી તપાસ બાદ જવાબ આપવામાં આવ્યો હતો, જે જમીન નિયમ મુજબ જ આપવામાં આવી છે. ત્યારે હવે મહાનગરપાલિકા દ્વારા માગવામાં આવેલા સાધનિક પુરાવાઓ રજૂ કરવા માટેનું નિર્ણય કાર્યકારી કુલપતિ ડૉ. કમલ ડોડિયાની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં કરવામાં આવ્યો હતો. તો બોર્ડ ઑફ મેનેજમેન્ટની બેઠકમાં લેવાયેલા નિર્ણયોમાં ફાઈનાન્સ સમિતિની ભલામણો અને કાર્યવાહી નોંધ મંજૂર કરવામાં આવેલ હતી.
અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી: માતૃશ્રી વિરબાઈમા મહિલા આર્ટસ એન્ડ કોમ્પ્યુટર કોલેજ, આર્યવીર હોમિયોપેથીક મેડીકલ કોલેજ કુવાડવા, તરફથી આવેલ બાયફર્કેશનની બાબત મંજૂર કરવામાં આવી અને પંચશીલ કોલેજ ઓફ એજ્યુકેશન તરફથી આવેલ સ્થળ ફેરફારની અરજી રાજ્ય સરકાર તથા NCTE ની મંજૂરી મળ્યા બાદ માન્ય રાખવાની શરતે મંજૂર કરવામાં આવી હતી. આમ જુદા જુદા મુદ્દાઓ પર ચર્ચાઓ અને મંજૂરી આપવામાં આવી હતી.