બનાસકાંઠા: જિલ્લામાં ચાંદીપુરા વાયરસને લઈ તંત્ર એકશનમાં આવી ગયું છે. જે વિસ્તારમાં ચાંદીપુરા વાયરસનો કેસ સામે આવ્યો હતો. તે વિસ્તારની આરોગ્ય વિભાગના કર્મચારી નગરપાલિકા પ્રમુખ સહિત ધારાસભ્ય વિસ્તારમાં દોડી ગયા હતા.
એક પરિવારના બાળકનું ચાંદીપુરા વાયરસથી મોત: પાલનપુરમાં જુના RTO પાછળના વિસ્તારમાં રહેતા એક પરિવારના બાળકનું ચાંદીપુરા વાયરસના કારણે મોત થયું હતું. ત્યારે આરોગ્ય વિભાગે આ વિસ્તારની મુલાકાત લઈ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ઘરે ઘરે અન્ય કોઈ બાળકમાં આ રોગના લક્ષણો છે કે કેમ તે માટે આરોગ્યની ચકાસણી હાથ ધરાઈ છે.
સ્વચ્છતા જળવાઇ રહે તે દિશામાં કામગીરી: ચાંદીપુરા વાયરસના કારણે બાળકના મોત બાદ પાલનપુર નગરપાલિકાની ટીમ પણ કામે લાગી ગઈ છે અને વિસ્તારમાં સાફ-સફાઈ સહિતના મુદ્દાઓ ઉપર ગંભીરતા દાખવવામાં આવી રહી છે. આ વિસ્તારમાં સમયસર સાફ સફાઈ થાય અને સ્વચ્છતા જળવાઈ રહે તે દિશામાં કામગીરી શરૂ કરાઈ છે. ત્યારે શક્તિનગર વિસ્તારમાં દવાનો પણ છંટકાવ કરાયો હતો.
રોગગ્રસ્ત વિસ્તારોમાં મેડિકલ કેમ્પો શરુ કરાયા: જે નાના બાળકોને શરદી, ખાંસી, તાવ, સહિતની બીમારી છે. તેવા બાળકોની ખાસ તકેદારી લઈ તેમના આરોગ્યની ચકાસણી અને તેમના સેમ્પલો લેવાની પણ આરોગ્ય ભાગે તાત્કાલિક અસરથી કામગીરી શરૂ કરી છે. આવા વિસ્તારમાં મેડિકલ કેમ્પો પણ શરૂ કરાયા છે. પાલનપુરના ધારાસભ્ય સહિત અધિકારીઓએ આ દિશામાં ગંભીરતા સાથે કામ કરવાના પણ સૂચનો કર્યા છે.
જિલ્લામાં ત્રણના મોત: ચાંદીપુરા વાયરસના કારણે પાલનપુર, ડીસાના સદરપુર અને સુઈગામ વિસ્તારમાં મળી કુલ ત્રણ બાળકોના મોત નીપજ્યા છે જોકે ચાંદીપુરા વાયરસના કહેરને લઈને હવે આરોગ્ય તંત્ર સતત કામગીરીમાં વ્યસ્ત બન્યું છે અને આ રોગ વધુ ના ફેલાય તે દિશામાં તમામ પ્રયાસો કરવા લાગી ગયુ છે.