નવી દિલ્હી : 23 ફેબ્રુઆરીથી વિમેન્સ પ્રીમિયર લીગ 2024 ની શરુઆત થઈ રહી છે. જેમાં પાંચ ટીમો ટાઈટલ માટે ટકરાશે. વિમેન્સ પ્રીમિયર લીગ 2024 માટે ફ્રેન્ચાઇઝી ગુજરાત જાયન્ટ્સ દ્વારા ટીમના કેપ્ટન અને વાઈસ કેપ્ટનની જાહેરાત કરવામાં આવી છે. ઓસ્ટ્રેલિયન સ્ટાર ખેલાડી બેથ મૂનીની આગેવાનીમાં ગુજરાત જાયન્ટ્સ મેદાને ઉતરશે. જ્યારે ભારતીય બોલર સ્નેહ રાણાને વાઈસ કેપ્ટનની ભૂમિકા સોંપવામાં આવી છે.
ગુજરાત જાયન્ટ્સ : વિમેન્સ પ્રીમિયર લીગ 2024 ની ફ્રેન્ચાઇઝી ગુજરાત જાયન્ટ્સ ટીમે ઓસ્ટ્રેલિયાની સ્ટાર ખેલાડી બેથ મૂનીની કેપ્ટન તરીકે જવાબદારી સોંપી છે. જ્યારે ભારતીય ઓફ-સ્પિનર સ્નેહ રાણાને વાઇસ-કેપ્ટનની ભૂમિકા સોંપવામાં આવી છે. આગામી 25 ફેબ્રુઆરીએ બેંગ્લોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે ગુજરાત જાયન્ટ્સ ટુર્નામેન્ટની પ્રથમ મેચ રમશે.
બેથ મૂનીનું પ્રદર્શન : વિમેન્સ પ્રીમિયર લીગની પ્રથમ સિઝનમાં પણ બેથ મૂનીને ગુજરાત જાયન્ટ્સનું કેપ્ટન પદ આપવામાં આવ્યું હતું. જોકે, ઈજાને કારણે તેણે પ્રથમ મેચ બાદ ટૂર્નામેન્ટ છોડવી પડી હતી. બેથ મૂની આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટના શ્રેષ્ઠ ખેલાડીઓમાંથી એક છે. વર્ષ 2014, 2018, 2020 અને 2023માં T20 વર્લ્ડ કપ જીતનાર ઓસ્ટ્રેલિયા ટીમનો ભાગ હતી. ઉપરાંત બેથ મૂની 2022 ODI વર્લ્ડ કપ અને બર્મિંગહામમાં 2022 કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીતનારી ટીમમાં પણ હતી.
ગુજરાત જાયન્ટ્સમાં પરત ફરવા બદલ હું ખુશ છું અને ટીમે મારા પર વિશ્વાસ મૂક્યો તે બદલ આભારી છું. અમારી પાસે એક શાનદાર ટીમ છે અને મને વિશ્વાસ છે કે અમે સારું પ્રદર્શન કરીશું. તે સારું છે કે WPL બેંગલુરુ અને નવી દિલ્હીમાં રમાશે, આ ગ્રાઉન્ડ ટૂર્નામેન્ટ માટે નવા છે. -- બેથ મૂની (ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટર)
ઓસ્ટ્રેલિયન સ્ટાર ક્રિકેટર : વર્ષ 2017 ના ડિસેમ્બરમાં બેથ મૂનીએ ICC T20I પ્લેયર ઓફ ધ યર અને ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ યર (Emerging Player of the Year) બંને એવોર્ડ જીત્યા હતા. ઉપરાંત વર્ષ 2021 અને 2022 માં વિશ્વની વિઝડનની અગ્રણી મહિલા ક્રિકેટર (Wisden's Leading Women Cricketer in the World) તરીકે પસંદ કરવામાં આવી હતી. T20I ક્રિકેટમાં સૌથી વધુ અડધી સદી ફટકારનાર ખેલાડીઓમાં બેથ મૂની 24 અડધી સદી સાથે બીજા નંબર પર છે. ઉપરાંત ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટ T20 માં 2,000 રન પૂરા કરનાર સૌથી ઝડપી મહિલા ક્રિકેટર પણ હતી.
WPL ની બીજી સિઝન ક્રિકેટનો બીજો તહેવાર હશે. બેથ કેપ્ટન તરીકે પરત ફરી છે તે સારા સમાચાર છે. હું તેને સપોર્ટ આપવા માટે મારાથી બનતું બધું કરીશ. ટીમ સારી રીતે સંતુલિત છે. -- સ્નેહ રાણા (ભારતીય મહિલા ક્રિકેટર)
ઓલરાઉન્ડર સ્નેહ રાણા : સ્નેહ રાણાની ભારતના ટોચના ક્રિકેટરોમાંથી એક છે. આ મહિલા ક્રિકેટરે વર્ષ 2014 માં શ્રીલંકા વિરૂદ્ધ ODI અને T20I માં ડેબ્યૂ કર્યું હતું. તથા વર્ષ 2021 માં ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચમાં ડેબ્યુ કર્યું હતું. સ્નેહ રાણા વર્ષ 2022 કોમનવેલ્થ ગેમ્સમાં ભારત માટે સિલ્વર જીતનારી ટીમનો ભાગ હતી. વિમેન્સ પ્રીમિયર લીગની (WPL) પ્રથમ સિઝનમાં બેથ મૂનીની ગેરહાજરીમાં ગુજરાત જાયન્ટ્સની કેપ્ટન તરીકે સ્નેહ રાણાને પસંદ કરવામાં આવી હતી. તેણે 7 ઇનિંગ્સમાં 6 વિકેટ મેળવી હતી.
(ANI ઈનપુટ્સ સાથે)