અમદાવાદ: આજે IPL 2024ની 12મી મેચ ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જ્યારે આ બંન્ને રમવા માટે ઉતરશે ત્યારે બંનેનો ધ્યેય બીજી જીત માટે રહેશે. બંને ટીમો વચ્ચે બપોરે 3.30 વાગ્યાથી મેચ રમાશે. મેચ પહેલા દર્શકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ક્રિકેટ ચાહકો બંન્ને ટીમને સપોર્ટ કરતા જોવા મળી રહ્યા છે.
કલાસેનનો કલાસીક ફેન: મેચ શરુ થયા પહેલા દર્શકોનો ધસારો જોવા મળી રહ્યો છે. જેમાં શુભમન ગીલ અને રાશીદ ખાનના ફેન જોવા મળી રહ્યા છે. ખાસ કરીને એક ફેન આવ્યો છે જે અલવર રાજસ્થાનથી હેનરી કલાસેનને સપોર્ટ કરવા માટે આવ્યો છે. તેનું કહેવું છે કે મેચ કોઈપણ જીતે કલાસેનની કલાસીક પારી જોવા આવ્યો છું.
GT અને SRH સામ સામે: IPLમાં અત્યાર સુધીમાં ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ ત્રણ વખત સામસામે આવી ચૂકી છે. GTએ બે મેચ જીતી છે, જ્યારે SRHએ એક મેચ જીતી છે. હાલ ગુજરાત ટાઇટન્સ પોઈન્ટ ટેબલમાં આઠમા સ્થાને છે. જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે.
આઈપીએલનો સૌથી મોટો સ્કોર: ગુજરાત ટાઇટન્સે ઘરઆંગણે મુંબઈ ઈન્ડિયન્સ સામે જીત સાથે શરૂઆત કરી હતી પરંતુ ચેન્નાઈમાં છેલ્લી મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. સનરાઈઝર્સ હૈદરાબાદે છેલ્લી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે 277 રન બનાવીને આઈપીએલનો સૌથી મોટો સ્કોર બનાવ્યો અને સિઝનની પ્રથમ જીત હાંસલ કરી હતી.
બંને ટીમોના સંભવિત પ્લેઈંગ-11
ગુજરાત ટાઇટન્સ: શુભમન ગિલ (કેપ્ટન), ડેવિડ મિલર, રિદ્ધિમાન સાહા, કેન વિલિયમ્સન, સાઈ સુદર્શન, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, મોહિત શર્મા, અઝમતુલ્લા ઓમરઝાઈ, ઉમેશ યાદવ, સ્પેન્સર જોન્સન.
સનરાઈઝર્સ હૈદરાબાદ: પેટ કમિન્સ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, મયંક અગ્રવાલ, અભિષેક શર્મા, એઈડન માર્કરામ, હેનરિક ક્લાસેન, અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, ભુવનેશ્વર કુમાર, મયંક માર્કંડે, જયદેવ ઉનડકટ.