નવી દિલ્હી: IPL 2024 માટે પ્લેઓફનું ગણિત ઘણું જટિલ છે અને તમામ ચાહકો તેમની ટીમને પ્લેઓફમાં જોવા માંગે છે. કોલકાતા પહેલાથી જ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગયું છે અને હજુ ત્રણ વધુ ટીમોની રાહ જોવાઈ રહી છે. બેંગલુરુ અને ચેન્નાઈની પ્લેઓફમાં પહોંચવાની આશા પણ અકબંધ છે. પરંતુ આ અપેક્ષાઓને વરસાદ આંચકો આપી શકે છે.
કેવું રહેશે હવામાન: RCB અને ચેન્નાઈ સીઝનની છેલ્લી મેચ 18 મેના રોજ રમશે. ચેન્નાઈ અને બેંગલુરુની પ્લેઓફની આશા આ મેચ પર નિર્ભર છે. અને આ મેચમાં વરસાદની સંભાવના છે. હવામાનશાસ્ત્રીએ ચેતવણી આપી છે કે, વરસાદ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાનારી મેચમાં વિક્ષેપ પાડી શકે છે. આવી સ્થિતિમાં ચાહકોની ચિંતા વધી ગઈ છે કારણ કે તેના કારણે તેમની ફેવરિટ ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ શકે છે.
વરસાદ પડે તો કોને ફાયદો: તમને જણાવી દઈએ કે, સોમવારે કોલકાતા અને ગુજરાત વચ્ચેની મેચ રમાયા વગર જ રદ કરવામાં આવી હતી. જેના કારણે બંને ટીમો વચ્ચે એક-એક પોઈન્ટની વહેંચણી થઈ ગઈ છે, જેના કારણે મેચ રદ્દ થતાં ગુજરાતની આશાઓ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. બેંગલુરુ હાલમાં 6 મેચ જીતીને 12 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને છે. જો આ મેચ રદ થશે તો તે માત્ર 13 પોઈન્ટ જ મેળવી શકશે. જે તેને પ્લેઓફમાંથી બહાર ફેંકવા માટે પૂરતું છે. તે જ સમયે, ચેન્નાઈ સુપર કિંગ્સ પાસે 15 પોઈન્ટ હશે જેના કારણે લખનૌ પણ ક્વોલિફાઈ કરી શકે છે જો લખનૌ એક મેચ હારી જાય તો ચેન્નાઈ ક્વોલિફાઈ થઈ શકે છે.