અમદાવાદ: પંજાબ કિંગ્સે ગુજરાત ટાઇટન્સ દ્વારા આપવામાં આવેલા 200 રનના વિશાળ લક્ષ્યાંકને 1 બોલ બાકી રહેતા હાંસલ કર્યો હતો અને રોમાંચક મેચમાં ગુજરાતને તેના ઘરે 3 વિકેટે હરાવ્યું હતું. પંજાબ કિંગ્સ માટે આ સિઝનની બીજી જીત છે. પંજાબ કિંગ્સ તરફથી શશાંક સિંહે સૌથી વધુ 61 રનની અણનમ ઇનિંગ રમી હતી. જ્યારે ગુજરાત ટાઇટન્સ તરફથી નૂર અહેમદે 2 વિકેટ લીધી હતી. આ જીત સાથે પંજાબ કિંગ્સ પોઈન્ટ ટેબલમાં 5માં સ્થાને પહોંચી ગઈ છે. આ સાથે જ ગુજરાત ટાઇટન્સ છઠ્ઠા સ્થાને સરકી ગઈ છે.
પ્લેયર ઓફ ધ મેચ બન્યો શશાંક સિંઘ
ગુજરાત ટાઇટન્સ પર પંજાબ કિંગ્સની આ રોમાંચક જીતનો હીરો યુવા જમણા હાથનો બેટ્સમેન શશાંક સિંઘ હતો, જેણે 29 બોલમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી અણનમ 61 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. આ શાનદાર ઇનિંગ માટે શશાંક સિંહને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 199 રન બનાવ્યા હતા. ગુજરાત ટાઇટન્સ તરફથી કેપ્ટન શુભમન ગિલ ટોપ સ્કોરર રહ્યો હતો, જેણે 48 બોલમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 89 રનની અણનમ ઇનિંગ રમી હતી. સાઈ સુદર્શને 37 રન અને કેન વિલિયમસને 26 રનનું યોગદાન આપ્યું હતું. ત્યારબાદ છેલ્લી ઓવરમાં રાહુલ તેવટિયાએ 8 બોલમાં 23 રન ફટકારીને ટીમનો સ્કોર 199 સુધી પહોંચાડ્યો હતો.
હેડ ટુ હેડ: બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં માત્ર 3 મેચ રમાઈ છે જેમાં પંજાબે 1 અને ગુજરાત ટાઇટન્સે બે મેચ જીતી છે. પંજાબ આ મેચ જીતીને આ રેકોર્ડની બરાબરી કરી છે.
બંને ટીમોના સંભવિત પ્લેઈંગ-11
પંજાબ કિંગ્સ: શિખર ધવન (કેપ્ટન), જોની બેરસ્ટો, પ્રભસિમરન સિંહ, જીતેશ શર્મા, લિયામ લિવિંગસ્ટોન, સેમ કુરન, શશાંક સિંહ, હરપ્રીત બ્રાર, હર્ષલ પટેલ, કાગીસો રબાડા, રાહુલ ચહર, અર્શદીપ સિંહ.
ગુજરાત ટાઇટન્સ: શુભમન ગિલ (કેપ્ટન), રિદ્ધિમાન સાહા, સાઈ સુદર્શન, વિજય શંકર, ડેવિડ મિલર, અઝમતુલ્લા ઓમરઝાઈ, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, ઉમેશ યાદવ, નૂર અહેમદ, મોહિત શર્મા.