નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમના યુવા ડાબોડી ઓપનર યશસ્વી જયસ્વાલે વિશાખાપટ્ટનમમાં ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં બેવડી સદી ફટકારીને ભારતીય ક્રિકેટ ટીમ માટે ઈતિહાસ રચી દીધો છે. આ ઇનિંગમાં ભારત તરફથી કોઈ બેટ્સમેન 35થી વધુ રન બનાવી શક્યો નહોતો, જ્યારે યશસ્વીએ 209 રનની ઇનિંગ રમી હતી.
સૌથી નાની ઉંમરે બેવડી સદી : યશસ્વી જયસ્વાલે ઈંગ્લેન્ડ સામેની મેચમાં 277 બોલમાં 18 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 200 રન બનાવીને પોતાની બેવડી સદી પૂરી કરી હતી. આ સાથે જ તે 22 વર્ષની ઉંમરે ભારત માટે બેવડી સદી ફટકારનાર ત્રીજો સૌથી યુવા ભારતીય બન્યો છે. યશસ્વી જયસ્વાલે 22 વર્ષ અને 36 દિવસની ઉંમરમાં ભારત માટે બેવડી સદી ફટકારી ઈતિહાસ રચ્યો છે.
પ્રથમ નંબરે કોણ ? સૌથી નાની વયે ભારત માટે બેવડી સદી ફટકારનાર તરીકે વિનોદ કાંબલી પ્રથમ સ્થાને છે. તેણે ઇંગ્લેન્ડ સામે 224 રન બનાવીને બેવડી સદી ફટકારી હતી. ત્યારે તેની ઉંમર 21 વર્ષ અને 32 દિવસની હતી. તેણે બે વખત ભારત માટે આવી રીતે સદી ફટકારી છે. વિનોદ કાંબલીએ 21 વર્ષ અને 55 દિવસની ઉંમરમાં બીજી વખત બેવડી સદી ફટકારી હતી.
ધ લિટલ માસ્ટર : સૌથી નાની વયે ભારત માટે બેવડી સદી ફટકારનાર ખેલાડીની યાદીમાં બીજા સ્થાને સુનીલ ગાવસ્કરનું નામ સામેલ છે. તેણે 21 વર્ષ અને 283 દિવસની ઉંમરમાં બેવડી સદી ફટકારી હતી. તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે 220 રનની ઇનિંગ રમીને પોતાની બેવડી સદી પૂરી કરી હતી. જયસ્વાલ હવે ભારત માટે બેવડી સદી ફટકારનાર ત્રીજો સૌથી યુવા બેટ્સમેન બની ગયો છે.