નવી દિલ્હી: મહિલા રેડબોલ ક્રિકેટ છ વર્ષ બાદ ભારતના ડોમેસ્ટિક કેલેન્ડરમાં પરત ફરશે. જ્યારથી આ સમાચાર સામે આવ્યા છે ત્યારથી મહિલા ક્રિકેટરોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. ભારતીય મહિલા ક્રિકેટરો પણ હવે ડોમેસ્ટિક ક્રિકેટમાં લાલ બોલથી રમતી જોવા મળશે. વાસ્તવમાં, BCCI 28 માર્ચથી પુણેમાં સિનિયર ઇન્ટર ઝોન ટૂર્નામેન્ટનું આયોજન કરવા જઈ રહ્યું છે.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ટેસ્ટ ક્રિકેટમાં વાપસી બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. તાજેતરમાં હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ હેઠળ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે રેડ બોલ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ રમી છે અને ધમાકેદાર જીત મેળવી છે. છેલ્લી વખત મહિલાઓ માટે રેડ બોલ ડોમેસ્ટિક ટુર્નામેન્ટ 2018માં રમાઈ હતી.
પૂર્વ ફાસ્ટ બોલર અમિતા શર્માએ પીટીઆઈને કહ્યું, 'આ એક આવકારદાયક પગલું છે. રાષ્ટ્રીય ટીમ ફરીથી ટેસ્ટ ક્રિકેટ રમી રહી છે અને અમને આગામી પેઢીના ક્રિકેટરોની જરૂર છે જે લાલ બોલથી રમી શકે. મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ટૂર્નામેન્ટનું આયોજન કરશે જેમાં પૂર્વ પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, મધ્ય અને ઉત્તર પૂર્વની ટીમો ભાગ લેશે. આ ટુર્નામેન્ટની સેમી ફાઈનલ 3 એપ્રિલે અને ફાઈનલ 9 એપ્રિલે યોજાશે.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં ઘણી એવી ખેલાડીઓ છે જેમણે રેડ બોલ ક્રિકેટમાં સારું પ્રદર્શન કર્યું છે, જેમાં દીપ્તિ શર્મા, યાસ્તિકા ભાટિયા, રિચા ઘોષ જેવી ખેલાડીઓના નામ નોંધાયેલા છે. હવે આ ટુર્નામેન્ટ સાથે નવી પ્રતિભાઓને પણ તેમની કુશળતા દર્શાવવાની તક મળશે.