જામનગર: જામનગર લોકસભા બેઠકની 7મેના રોજ યોજાયેલ મતદાન બાદ આજે જામનગરની હરિયા કોલેજ ખાતે મતગણતરી પુર્ણ થવાની તૈયારી છે. આજે સવારે આઠ વાગ્યે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શરૂ થયેલી કામગીરીના પ્રારંભે પોસ્ટલ બેલેટની મતગણતરી હાથ ધરવામાં આવી હતી. 3,290 પોસ્ટલ બેલેટની ગણતરી પૂરી થયા બાદ સાત વિધાનસભા બેઠકોની મતગણતરી સાત હોલમાં કુલ 86 ટેબલ ઉપર હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ 1,881 બુથોની મતગણતરીની કામગીરી કરવામાં આવી હતી. જે બપોરના 2:30 કલાકે પૂર્ણ થઇ હતી. બપોરના 1:30 કલાકની સ્થિતિએ ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ સન્માનજનક ગણી શકાય તેવા આશરે બે લાખથી વધુ મતોની સરસાઇથી આગળ ચાલી રહ્યાં હતાં.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી: કોંગ્રેસના પાટીદાર ચહેરાની પસંદગી, ક્ષત્રિય આંદોલન સહિતના મુદ્દા કોંગ્રેસને કોઇ લાભ અપાવી શક્યા નથી. ઉમેદવારની સક્રિયતા ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો ચહેરો મતદારોમાં ચાલ્યો હોવાનું ચિત્ર ઉપસ્યું છે. આ સાથે જ જામનગર લોકસભા બેઠક ઉપર સશક્ત મહિલા ઉમેદવાર પૂનમબેન માડમે જીતની હેટ્રીક નોંધાવી છે. તેઓએ વધુ એક વખત દિલ્હી સરકારમાં હાલારનું પ્રતિનિધિત્વ નિશ્ર્ચિત કર્યું છે.
મતગણતરીની કામગીરી પૂર્ણ: મતદાન પૂરૂ થયા બાદ ભાજપે 2 લાખથી વધુની લીડ જયારે કોંગ્રેસે 20 હજારથી વધુની લીડથી બેઠક જીતવાનો દાવો કર્યો હતો. આ પછી લોકો, મીડિયા અને સોશ્યલ મીડિયામાં પરિણામ અંગે અંદાજો વ્યકત થઇ રહ્યા હતા. આખરે આજે પરિણામ ઉપરના રહસ્યનો પડદો ઉંચકાયો હતો. આજે સવારે 8 વાગ્યે જામનગરની હરિયા કોલેજ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અને તમામ ઉમેદવારના મતગણતરી એજન્ટની હાજરીમાં મતગણતરીની કામગીરી પૂર્ણ કરવામાં આવી રહી છે.
લોકોએ ભાજપને જીતાડ્યું: જામનગર લોકસભા બેઠકમાં પાટીદાર ચહેરો પસંદ કરી કોંગ્રેસે માસ્ટર સ્ટ્રોક માર્યાનો દાવો કર્યો હતો. અને ખાસ કરીને ક્ષત્રિય આંદોલનનું એ.પી.સેન્ટર પણ જામનગર બેઠક બની હતી. ભાજપનો સૌથી વધુ વિરોધ જામનગર બેઠકમાં થયો હતો. આમ છતાં મોદી ચહેરો, ભાજપનું બુથ પ્લાનીંગ, ઉમેદવાર પૂનમબેન માડમની સક્રિયતાને લીધે લોકોએ ભાજપને જીતાડવાનું નક્કી કર્યું હોય તેમ આજે આ બેઠક ભાજપની જોળીમાં પધરાવી હતી.