પોરબંદરઃ અર્જુન મોઢવાડિયા તાજેતરમાં કૉંગ્રેસ સાથેનો છેડો ફાડી ભાજપમાં જોડાઈ ગયા છે. આ પક્ષાંતર બાદ પ્રથમ વખત તેઓ પ્રથમવાર પોરબંદર આવ્યા હતા. આ સમયે પત્રકારો સાથે વાતચીત દરમિયાન અર્જુન મોઢવાડિયાએ ભાજપ અને વડાપ્રધાન મોદીની પ્રશંસા કરી હતી. તેટલું જ નહિ પરંતુ કૉંગ્રેસ અને રાહુલ ગાંધી તેમજ ભારત જોડો ન્યાય યાત્રા પર આકરા કટાક્ષ પણ કર્યા હતા.
કૉંગ્રેસ 'શોધો' યાત્રાઃ અર્જુન મોઢવાડિયાએ કૉંગ્રેસ, રાહુલ ગાંધી અને ભારત જોડો ન્યાય યાત્રા પર વાકપ્રહાર પણ કર્યા હતા. મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, હાલ રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરી છે. જો કે હું માનું છું કે અત્યારે કૉંગ્રેસ જોડો યાત્રા કરવાની જરુર હતી. 2024ની લોકસભા ચૂંટણી બાદ રાહુલ ગાંધીએ કૉંગ્રેસ 'શોધો' યાત્રા કરવી પડશે. રાહુલ ગાંધી જ્યારે જે કરવાનું હોય ત્યારે તે નથી કરતા, આ જ ભૂલ તેઓ વારંવાર કરે છે.
વિકસિત દેશ બનાવવાના અભિયાનમાં જોડાયાનું નિવેદનઃ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, અનેક દાયકાઓના કૉંગ્રેસ સાથે સબંધોને મેં પૂરા કરીને અને પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. દેશને આગળ લઈ જવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે અભિયાન ચલાવ્યું છે તેમાં દેશ એકત્ર થઈ રહ્યો છે. હું આ અભિયાનમાં જોડાયો છું, ગુજરાત અને પોરબંદર જોડાયા છે. હું વિશેષ યોગદાન આપી શકું તે માટે ભાજપમાં જોડાયો છું. હું વડાપ્રધાન, ગૃહ પ્રધાન અમિત શાહ અને મુખ્યપ્રધાનનો ખૂબ ખૂબ આભાર માનું છું.
ભાજપમાં રહી પોરબંદરનો વિકાસ કરવો છેઃ અર્જુન મોઢવાડિયાએ પોરબંદરને કઈ રીતે વિકસિત કરી શકાય તેમજ પોરબંદરનો આ વિકાસ ભાજપમાં રહીને કેવી રીતે ઝડપથી થઈ શકે તેના વિશે જણાવ્યું હતું. મોઢવાડિયાએ જણાવ્યું કે, આગામી સમયમાં ભારતમાં પરિવર્તન થઈ રહ્યું છે તેમાં હું સહભાગી થઈશ. પોરબંદર માં જે ગતિથી કામ થવું જોઈએ તે થતું નથી. પોરબંદરમાં મહાત્મા ગાંધીજીની જન્મ ભૂમિ કીર્તિમંદિર, સુદામા મંદિર, દરિયા કિનારે આવેલ શહેર, માછીમારોનો વિકાસ, બરડા સેન્ચ્યુરી આ બધા વિકાસકાર્યો એક સાથે કરવા માટે ભાજપમાં કાર્યકર્તા રહીને હું પોરબંદરની ક્ષમતાને આગળ ધપાવીશ.
પોરબંદરની કાયાપલટઃ અર્જુન મોઢવાડિયાએ પોરબંદરની કાયાપલટ કરવા માટે વડાપ્રધાનના આશીર્વાદ જરુરી છે તેમ જણાવીને કહ્યું કે, વડાપ્રધાનના આશીર્વાદ મળે તો પોરબંદરનો કાયાપલટ થઈ શકે તેમ છે. પોરબંદરમાં બેરોજગારી મુખ્ય સમસ્યા છે. તેમજ પ્રવાસન ક્ષેત્રે વિકાસ પણ હજૂ વધુ કરી શકાય તેમ છે. દ્વારકા, સોમનાથ, કેવડિયા, કચ્છ, બનાસકાંઠામાં સરહદ દર્શન, અંબાજીનું મંદિર, સોમનાથ અને દ્વારકા આઈકોનિક પ્લેસ તરીકે વિકસાવવામાં આવ્યા છે. આ જ રીતે પોરબંદરને પણ આઈકોનિક પ્લેસ તરીકે વિકસિત કરવાનું મારુ સ્વપ્ન છે. આ સ્વપ્નને સાકાર કરવા આપણને મનસુખ માંડવિયા લોકસભાના ઉમેદવાર તરીકે મળ્યા છે. તેઓ કેન્દ્ર સરકારમાં મોભાદાર સ્થાન ધરાવે છે અને કોરોના કાળ દરમિયાન આરોગ્ય સેવાઓ સામાન્ય જનતાને મળી રહે તે માટે તેમને બહુ મહેનત કરી હતી.