નવી દિલ્હી: ભારતે બુધવારે મોડી રાત્રે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની ટીકા કરતાં કહ્યું હતું કે, તેમના બેદરકાર વર્તનથી ભારત-કેનેડા સંબંધોને જે નુકસાન થયું છે તેના માટે વડાપ્રધાન ટ્રુડો એકલા જવાબદાર છે. જસ્ટિન ટ્રુડોએ બુધવારે કબૂલાત કરતા કહ્યું હતું કે, તેમની સરકારે ખાલિસ્તાની અલગતાવાદી નિજ્જર સિહની હત્યાના કથિત મામલામાં ભારતીય એજન્ટોની સંડોવણીના સંબંધમાં નવી દિલ્હીને માત્ર ગુપ્ત જાણકારી આપી છે, કોઈ પૂરાવા નથી આવ્યા. જે બાદ ભારતનું આ નિવેદન સામે આવ્યું છે.
જસ્ટીન ટ્રૂડોએ ભારત સામેના આરોપો પર આપી સ્પષ્ટતા
ફેડરલ ચૂંટણી પ્રક્રિયાઓ અને લોકશાહી સંસ્થાઓમાં વિદેશી હસ્તક્ષેપના આરોપોની જાહેર તપાસમાં કમિશન સમક્ષ જુબાની આપતા ટ્રુડોએ જણાવ્યું હતું કે, "મોદી સરકારનો વિરોધ કરનારા કેનેડિયન્સ વિશેની માહિતી ભારત સરકારને આપવામાં આવી હતી અને પછી લોરેન્સ બિસ્નોઈ ગેંગ જેવા ગુનાહિત સંગઠનોના માધ્યમથી આપવામાં આવેલી જાણકારીના પરિણામ સ્વરૂપે જમીન પર કેનેડિયન્સ વિરુદ્ધ હિંસા થઈ.'
તેમણે કહ્યું કે, જ્યારે કેનેડિયન એજન્સીઓએ ભારતને આરોપોની તપાસ કરવા કહ્યું ત્યારે નવી દિલ્હીએ પુરાવા માંગ્યા. તે સમયે તે મુખ્યત્વે ગુપ્ત માહિતી હતી, નક્કર પુરાવા નહીં. કેનેડાના વડાપ્રધાને કહ્યું, 'અમારી પાસે સ્પષ્ટ અને ચોક્કસપણે સ્પષ્ટ સંકેતો હતા કે ભારતે કેનેડાની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કર્યું છે.'
Our response to media queries regarding PM of Canada's deposition at the Commission of Inquiry: https://t.co/JI4qE3YK39 pic.twitter.com/1W8mel5DJe
— Randhir Jaiswal (@MEAIndia) October 16, 2024
માત્ર ગુપ્ત માહિતીના આધારે ભારત સામે આક્ષેપો
જસ્ટિન ટ્રુડોએ કહ્યું, 'ઉનાળામાં, ગુપ્તચર એજન્સીઓએ મને કહ્યું કે સરકાર નિજ્જરની હત્યામાં સામેલ હતી, પરંતુ તેમાં કોઈ સ્પષ્ટ આંતરરાષ્ટ્રીય સંબંધ નહોતો. જોકે, ઓગસ્ટમાં કેનેડા અને ધ ફાઈવ આઈઝ પાસેથી મળેલી ગુપ્ત માહિતી પરથી સ્પષ્ટ થઈ ગયું હતું કે ભારત તેમાં સામેલ છે. અમે ભારતને કહ્યું કે, આ નક્કર પુરાવા નથી, પરંતુ તે માત્ર ગુપ્ત માહિતી છે.
ટ્રુડોએ જાહેર તપાસ પંચને કહ્યું, 'આ સ્પષ્ટ સંકેતો છે કે ભારતે અમારા સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કર્યું છે.' જો કે, તપાસ પંચ સમક્ષ કેનેડાના વડાપ્રધાનના નિવેદન અંગેના મીડિયાના પ્રશ્નોના જવાબમાં, MEAના સત્તાવાર પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, "આજે અમે જે સાંભળ્યું છે તે ફક્ત તે જ વાતને મજબૂત કરે છે જે અમે લાંબા સમયથી કહી રહ્યા છીએ." કેનેડાએ ભારત અને ભારતીય રાજદ્વારીઓ સામે કરેલા ગંભીર આરોપોને સમર્થન આપતા અમને કોઈ પુરાવા રજૂ કર્યા નથી. આ બેદરકારીભર્યા વર્તનથી ભારત-કેનેડા સંબંધોને નુકસાન થયું છે. આ જવાબદારી એકલા વડાપ્રધાન ટ્રુડોની છે.
ભારતે કેનેડામાંથી રાજદ્વારીઓને પરત બોલાવ્યા હતા
ખાસ છે કે ટ્રુડોની ટિપ્પણી નવી દિલ્હી દ્વારા હાઈ કમિશનર અને અન્ય રાજદ્વારીઓ અને અધિકારીઓને પાછા બોલાવવાના નિર્ણયના બે દિવસ પછી આવી છે. સોમવારે વિદેશ મંત્રાલયના સચિવ (પૂર્વ)એ કેનેડાના પ્રભારીને બોલાવ્યા. તેમને કહેવામાં આવ્યું હતું કે, કેનેડામાં ભારતીય હાઈ કમિશનર અને અન્ય રાજદ્વારીઓ અને અધિકારીઓને નિરાધાર નિશાન બનાવવા સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે.
એ વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો કે, ઉગ્રવાદ અને હિંસાના વાતાવરણમાં ટ્રુડો સરકારની કાર્યવાહીથી તેમની સુરક્ષા જોખમમાં મુકાઈ છે. વિદેશ મંત્રાલયે કહ્યું, 'અમને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વર્તમાન કેનેડા સરકારની પ્રતિબદ્ધતા પર કોઈ વિશ્વાસ નથી. તેથી, ભારત સરકારે હાઈ કમિશનર અને અન્ય રાજદ્વારીઓ અને અધિકારીઓને પાછા બોલાવવાનો નિર્ણય કર્યો.
આ પણ વાંચો: