નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ગુરુવારે ફિલ્મ 'હમારે બારહ'ની રિલીઝ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ ફિલ્મ શુક્રવારે (14 જૂન) રિલીઝ થવાની હતી. બોમ્બે હાઈકોર્ટે ફિલ્મને રિલીઝ કરવાની મંજૂરી આપતા નિર્ણયને પડકાર્યો હતો. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે બોમ્બે હાઈકોર્ટના ફિલ્મને રિલીઝ કરવાની મંજૂરી આપતા આદેશને પડકારતી અરજી પર પોતાનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન ટિપ્પણી કરી હતી કે, 'અમે સવારે ફિલ્મનું ટ્રેલર જોયું અને ટ્રેલરમાં તમામ વાંધાજનક સંવાદો ચાલુ છે. આ સાથે સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટના વચગાળાના આદેશ પર પણ રોક લગાવી દીધી છે. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે ફિલ્મનું ટ્રેલર 'આક્રમક' લાગે છે.
બોમ્બે હાઈકોર્ટના આદેશને પડકારતી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે, આ ફિલ્મ ઈસ્લામિક આસ્થા વિરુદ્ધ છે અને વિવાહિત મુસ્લિમ મહિલાઓનું અપમાન કરે છે. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી.
એડવોકેટ ફૌઝિયા શકીલે સુપ્રીમ કોર્ટમાં અરજદાર અઝહર બાશા તંબોલીનું પ્રતિનિધિત્વ કર્યું હતું. શકીલે દલીલ કરી હતી કે હાઈકોર્ટે 'ગેરવાજબી આદેશ' દ્વારા ફિલ્મની રિલીઝ પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો હતો. તેમણે દલીલ કરી હતી કે હાઈકોર્ટ સીબીએફસીને સમિતિની રચના કરવા માટે નિર્દેશ આપી શકતી નથી કારણ કે CBFC દાવામાં રસ ધરાવતી પાર્ટી હતી. શકીલની દલીલો સાંભળ્યા બાદ સર્વોચ્ચ અદાલતે બોમ્બે હાઈકોર્ટ દ્વારા અરજીનો નિકાલ ન થાય ત્યાં સુધી ફિલ્મના પ્રદર્શન પર રોક લગાવી દીધી હતી અને હાઈકોર્ટને અરજી પર ઝડપથી નિર્ણય લેવા જણાવ્યું હતું.
સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે, સમિતિની પસંદગી કરવા માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) ને નિર્દેશ સહિત હાઇકોર્ટ સમક્ષ તમામ વાંધાઓ ઉઠાવવા પક્ષકારો માટે ખુલ્લું છોડી દેવામાં આવ્યું છે. 14 જૂને રિલીઝ થનારી આ ફિલ્મ કર્ણાટકમાં પહેલા જ પ્રતિબંધિત છે.