નવી દિલ્હી : ભારતના પ્રથમ પેરાલિમ્પિક સુવર્ણચંદ્રક વિજેતા મહાન મુરલીકાંત પેટકરની વાર્તાને નડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેઈનમેન્ટના પ્રમુખ સાજિદ નડિયાદવાલાએ મોટા પડદા પર જીવંત કરી છે. તાજેતરમાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે શ્રી પેટકરને તેમની સિદ્ધિના 52 વર્ષ બાદ અર્જુન એવોર્ડ (લાઈફટાઈમ)થી સન્માનિત કરવામાં આવશે.
મુરલીકાંત પેટકર અર્જુન એવોર્ડથી સન્માનિત : આ પ્રતિષ્ઠિત સિદ્ધિ પ્રાપ્ત કરવા પર મુરલીકાંત પેટકરે કહ્યું, 'હું પ્રતિષ્ઠિત અર્જુન લાઈફ ટાઈમ એવોર્ડ મેળવવા માટે ખરેખર અભિભૂત છું અને ખૂબ જ આભારી છું. આ સન્માન માત્ર એક વ્યક્તિગત સિદ્ધિ નથી, પરંતુ તે ઘણી સારી વ્યક્તિઓના સામૂહિક પ્રયત્નો અને વિશ્વાસનો પુરાવો છે.સાજિદ નડિયાદવાલાનો હૃદયપૂર્વક આભાર માનું છું, જેમણે માત્ર મારી વાર્તામાં વિશ્વાસ જ નથી કર્યો, પરંતુ ફિલ્મ ચંદુ ચેમ્પિયન દ્વારા તેને મોટા પડદા પર જીવંત કરવા માટે તેમના વિશ્વાસ અને સંસાધનોનું પણ રોકાણ કર્યું છે.
સાજીદ નડિયાદવાલાનો આભાર માન્યો : મુરલીકાંત પેટકરે વધુમાં ઉમેર્યું, 'તેમના અતૂટ સમર્થનથી બધું બદલાઈ ગયું, હું કબીર ખાનના પ્રયાસોનો પણ ઉલ્લેખ કરવા માંગુ છું, જેમણે મારી સફરને મોટા પડદા પર સૌથી વધુ અધિકૃત રીતે રજૂ કરી અને કાર્તિક, જેમણે મારી વાર્તાને શ્રેષ્ઠ રીતે રજૂ કરી. આ ક્ષણ એટલી જ મારી છે જેટલી તે તેમની છે, હું ચંદુ ચેમ્પિયનની સમગ્ર ટીમનો ખરેખર આભારી છું, જેમણે આ ફિલ્મ બનાવી અને મારી વાર્તા દ્વારા દેશના ઘણા લોકોને પ્રેરણા આપી.
'ચંદુ ચેમ્પિયન'
રમતગમતમાં ઓલરાઉન્ડર મુરલીકાંત પેટકરે પેરા-સ્વિમિંગમાં ઉત્કૃષ્ટ દેખાવ કરતા પહેલા ઘણી રમતોમાં ભાગ લીધો હતો. તેઓ ઐતિહાસિક સફળતા અને હિંમતના સાચા પ્રતીક તરીકે ઉભરી આવ્યા છે. તમને જણાવી દઈએ કે, ચંદુ ચેમ્પિયન ગયા વર્ષે 14 જૂને રિલીઝ થઈ હતી, જેમાં કાર્તિક આર્યન મુરલીકાંત પેટકરનું પાત્ર ભજવ્યું હતું.