મુંબઈ : નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે કારોબારી સપ્તાહના છેલ્લા દિવસે ભારતીય શેરબજાર સપાટ ખુલ્યું છે. આજે 24 મે, શુક્રવારના રોજ બજારના મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty અનુક્રમે 83 અને 37 પોઇન્ટ ડાઉન ખુલ્યા હતા. બાદમાં 11 વાગ્યા સુધીમાં હળવી રિકવરી નોંધાવીને બજાર ગ્રીન ઝોનમાં સપાટ ટ્રેડ થયું હતું.
ભારતીય શેરબજાર : આજે 24 મે, શુક્રવારના ટ્રેડિંગ સેશનમાં ભારતીય બજાર ઘટાડા સાથે ખુલ્યું હતું. BSE Sensex ગત 75,418 બંધ સામે 83 પોઈન્ટના ઘટાડા સાથે 75,335 ના મથાળે લાલ નિશાનમાં ખુલ્યો હતો. બીજી તરફ NSE Nifty ગત 22,967 બંધ સામે 37 પોઈન્ટના ઘટાડા સાથે 22,930 ના મથાળે રેડ ઝોનમાં ખુલ્યા હતા.
સ્ટોકની સ્થિતિ : સેન્સેક્સમાં લીસ્ટેડ શેરમાંથી 16 શેર વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. જ્યારે 14 શેર ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. જેમાં L&T, બજાજ ફિનસર્વ, વિપ્રો, ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ અને SBI ટોપ ગેઈનર છે. જ્યારે M&M, મારુતિ સુઝુકી, TCS, ઇન્ફોસિસ, સન ફાર્મા અને JSW ટોપ લૂઝર છે.
સેક્ટર મુજબ સ્થિતિ : બજારમાં વધઘટ દર્શાવતો ઈન્ડિયા વિક્સ લગભગ એક ટકાના વધારા સાથે 21.61 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. જો સેક્ટર મુજબ જોવામાં આવે તો બેન્કિંગ, ફિન સર્વિસિસ, મેટલ, મીડિયા, એનર્જી, ઇન્ફ્રા, કોમોડિટી, PSE અને સર્વિસ સેક્ટરમાં તેજી જોવા મળી છે. બીજી તરફ ઓટો, IT, ફાર્મા, FMCG અને રિયલ્ટી સેક્ટરમાં દબાણ જોવા મળી રહ્યું છે.
વૈશ્વિક બજાર : એશિયન બજારોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ટોક્યો, શાંઘાઈ, સિયોલ, બેંગકોક અને હોંગકોંગના બજારો પર દબાણ છે. માત્ર જકાર્તાના બજાર ગ્રીન ઝોનમાં છે. ગુરુવારના સેશનમાં યુએસ માર્કેટ ઘટાડા સાથે બંધ થયું હતું. ક્રૂડ ઓઈલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ બેરલ દીઠ 81 ડોલર અને WTI ક્રૂડ 76 ડોલર પ્રતિ બેરલ છે.