નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સોમવારે કેન્દ્રીય કેબિનેટ 3.0ની પ્રથમ બેઠક યોજાઈ હતી. બેઠક બાદ મંત્રીઓના વિભાગોની વહેંચણી કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમિત શાહને ફરીથી ગૃહ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે રાજનાથ સિંહ સંરક્ષણ પ્રધાન રહેશે. આ ઉપરાંત નીતિન ગડકરીને ફરીથી રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયની જવાબદારી પણ સોંપવામાં આવી છે. એસ જયશંકર પણ વિદેશ મંત્રી પદ પર રહેશે.
પહેલીવાર વિદિશાથી સાંસદ તરીકે ચૂંટાઈને મોદી કેબિનેટમાં સામેલ થયેલા મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને કૃષિ મંત્રી બનાવવામાં આવ્યા છે. હરિયાણાના પૂર્વ સીએમ મનોહર લાલને ઉર્જા અને શહેરી વિકાસ મંત્રાલયની જવાબદારી મળી છે. અશ્વિની વૈષ્ણવને માહિતી અને પ્રસારણ મંત્રી બનાવવામાં આવ્યા છે.
નવી કેબિનેટમાં 30 કેબિનેટ મંત્રીઓ, પાંચ સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્ય મંત્રી અને 36 રાજ્ય મંત્રીઓનો સમાવેશ થાય છે. સૂત્રોએ જણાવ્યું કે નવા મંત્રીઓની પ્રથમ કેબિનેટ બેઠક દિવસ દરમિયાન યોજાય તેવી શક્યતા છે. રવિવારે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સમારોહમાં પીએમ મોદીએ 71 મંત્રીઓ સાથે પદના શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પીએમ અને અન્ય મંત્રીઓને પદના શપથ લેવડાવ્યા હતા.
મંત્રીઓ અને વિભાગોની યાદી
રાજનાથ સિંહ - સંરક્ષણ મંત્રાલય
અમિત શાહ - ગૃહ મંત્રાલય
એસ જયશંકર - વિદેશ મંત્રાલય
નિર્મલા સીતારમણ - નાણા મંત્રાલય
નીતિન ગડકરી - રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય
શિવરાજ સિંહ ચૌહાણ- કૃષિ અને ખેડૂત કલ્યાણ અને પંચાયત અને ગ્રામીણ વિકાસ મંત્રાલય
અશ્વિની વૈષ્ણવ - રેલ્વે અને માહિતી પ્રસારણ મંત્રાલય
જેપી નડ્ડા - આરોગ્ય મંત્રાલય
ધર્મેન્દ્ર પ્રધાન- શિક્ષણ મંત્રાલય
જ્યોતિરાદિત્ય સિંધિયા - ટેલિકોમ મંત્રાલય
મનોહર લાલ - ઉર્જા અને શહેરી વિકાસ મંત્રાલય
જીતન રામ માંઝી - MSME મંત્રાલય
ચિરાગ પાસવાન- રમતગમત મંત્રાલય
રામ મોહન નાયડુ - નાગરિક ઉડ્ડયન મંત્રાલય
સીઆર પાટીલ - જલ શક્તિ મંત્રાલય
હરદીપ સિંહ પુરી - પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય
ગિરિરાજ સિંહ - કાપડ મંત્રાલય
અન્નપૂર્ણા દેવી - મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
સુરેશ ગોપી - રાજ્ય મંત્રી (પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય)
મનસુખ માંડવિયા- શ્રમ અને રોજગાર મંત્રાલય તેમજ યુવા બાબતો અને ખેલ મંત્રાલય