હૈદરાબાદ: લોકસભા ચૂંટણી 2024ના સાતમા અને અંતિમ તબક્કા માટે શનિવાર, 1 જૂનના રોજ મતદાન થશે. આ માટે ચૂંટણી પંચે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. તમને જણાવી દઈએ કે, આ તબક્કામાં આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 57 લોકસભા સીટો પર મતદાન થશે. કુલ 904 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. આ તબક્કાનો ચૂંટણી પ્રચાર ગુરુવારે સાંજે 6 વાગ્યે સમાપ્ત થયો હતો.
શનિવાર, 1 જૂનના રોજ, ઉત્તર પ્રદેશ, બિહાર, હિમાચલ પ્રદેશ, પંજાબ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને ચંદીગઢના સંસદીય ક્ષેત્રોમાં ચૂંટણી યોજાશે. મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થશે અને સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. માહિતી અનુસાર, આ તબક્કામાં પંજાબમાંથી 328, ઉત્તર પ્રદેશથી 144, બિહારથી 134, ઓડિશાથી 66, ઝારખંડથી 52, હિમાચલ પ્રદેશથી 37 અને ચંદીગઢથી 4 ઉમેદવારો મેદાનમાં છે.
ઉત્તર પ્રદેશ અને પંજાબની કુલ 13 બેઠકો, પશ્ચિમ બંગાળની 9 બેઠકો, બિહારની 8 બેઠકો, ઓડિશાની 6 બેઠકો, હિમાચલ પ્રદેશની 4 બેઠકો, ઝારખંડની ત્રણ બેઠકો અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢની એક બેઠક માટે મતદાન થશે.