પટના : એક તરફ ભાજપના તમામ નેતાઓ બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર પ્રત્યે નરમ વલણ અપનાવી રહ્યા છે, તો બીજી તરફ મહાગઠબંધનમાં ખળભળાટ મચી ગયો છે. છેલ્લા કેટલાક દિવસોમાં આવી અનેક ઘટનાઓ બની છે જેના કારણે બિહારનું રાજકારણ ગરમાયું છે. નીતીશ કુમાર દ્વારા પીએમ મોદીના વખાણ કરવા, રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાથી અંતર રાખવું, ઈન્ડિયા ગઠબંધનમાં સંયોજકના પદ માટે ઇનકાર કરવો એ પરિવર્તનના કેટલાક મોટા સંકેત છે.
રોહિણી આચાર્યની પોસ્ટ : લાલુ યાદવની પુત્રી રોહિણી આચાર્યની પોસ્ટે આગમાં ઘી હોમ્યું છે. રોહિણીએ ગુરુવારે એક પછી એક X પર ત્રણ પોસ્ટ કરી હતી. નોંધનીય છે કે, કર્પૂરી ઠાકુરની 100 મી જન્મજયંતિના અવસર પર નીતિશ કુમારે પરિવારવાદને લઈને પ્રહારો કર્યા હતા. એવું માનવામાં આવે છે કે રોહિણીએ નામ લીધા વિના આક્ષેપોનો જવાબ આપ્યો છે.
રોહિણી આચાર્યએ પોતાની પ્રથમ પોસ્ટમાં લખ્યું હતું કે, સમાજવાદી પુરોધા હોવાને કા વહીં દાવા હૈ, હવાઓ કી તરહ બદલી જીનકી વિચારધારા હૈ. (જે સમાજવાદી અગ્રણી હોવાનો દાવો કરે છે, તેની જ વિચારધારા પવનની જેમ બદલાય છે.)
પોતાની બીજી પોસ્ટમાં રોહિણીએ લખ્યું હતું કે, ખીજ જતાયે ક્યા હોગા જબ હુઆ ન કોઈ અપના યોગ્ય, વિધિ કા વિધાન કૌન ટાલે જબ ખુદ કી નીયત મેં હી હો ખોટ. (જ્યારે કોઈ વ્યક્તિ પોતાના માટે લાયક ન હોય ત્યારે ચીડ વ્યક્ત કરીને શું થશે, વિધિનું વિધાન કોણ ટાળે જ્યારે પોતાના ઇરાદાઓમાં જ ખોટ હોય)
રોહિણીએ પોતાની ત્રીજી પોસ્ટમાં લખ્યું હતું કે, અક્સર કુછ લોગ નહીં દેખ પાતે હૈ અપની કમિયાં, લેકિન કિસી દુસરે પર કીચડ ઉછાલને કો કરતે રહતે હૈ બદતમીજિયાં. (ઘણીવાર કેટલાક લોકો પોતાની ખામીઓ જોઈ શકતા નથી, પરંતુ અન્ય લોકો પર કાદવ ઉછાળવા માટે ખરાબ વર્તન કરતા રહે છે)
બિહારની રાજનીતિમાં પરિવર્તનના અણસાર ? રોહિણી આચાર્યની પોસ્ટ બાદ બિહારના રાજકારણમાં ફરી એકવાર ખળભળાટ મચી ગયો છે. ભલે રોહિણી આચાર્યએ કોઈનું નામ ન લીધું હોય, પરંતુ તેણે જે રીતે હુમલો કર્યો છે તે સ્પષ્ટ દર્શાવે છે કે તેનું નિશાન બિહારના સીએમ નીતિશકુમાર હતા. છેલ્લા કેટલાક સમયથી નીતિશ કુમાર અને મહાગઠબંધન વચ્ચે ઘણું અંતર જોવા મળી રહ્યું છે.
મહાગઠબંધનમાં મોહભંગ ? સરકારી જાહેરાતમાં તેજસ્વી યાદવની તસવીરને સ્થાન આપવામાં આવ્યું નહોતું. જેડીયુ પોતે શિક્ષકોની પુનઃસ્થાપના, નોકરી કરતા શિક્ષકોને સરકારી કર્મચારીનો દરજ્જો આપવો, અનામત, જાતિ ગણતરી જેવા આ તમામ મુદ્દાઓ પર શ્રેય લેવામાં વ્યસ્ત હતી. ત્યારે કર્પૂરી ઠાકુરની 100 મી જન્મજયંતિ પર બંને પક્ષો વચ્ચેનું અંતર દેખાઈ રહ્યું હતું. બંને પક્ષોએ પોતપોતાના અલગ-અલગ કાર્યક્રમો યોજીને પછાત અને અત્યંત પછાત વોટ બેંકને પોતાના તરફ કરવાનો પ્રયાસ કર્યો હતો.