ઉત્તર પ્રદેશ : લોકસભાની ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે અને દરેકની નજર સાત તબક્કામાં થનારા મતદાન અને 4 જૂનના ચૂંટણી પરીણામ પર છે. છેલ્લી બે ચૂંટણીમાં વારાણસી સીટ દેશની સૌથી હોટ અને સૌથી ચર્ચિત સીટ રહી છે. કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંથી ચૂંટણી લડે છે. આ વખતે પણ તેઓ વારાણસીથી ચૂંટણી લડશે.
જો PM મોદી ત્રીજી વખત આ સીટ જીતશે તો તેઓ પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને ઈન્દિરા ગાંધીના રેકોર્ડની બરાબરી કરશે. જવાહરલાલ નેહરુ અને ઈન્દિરા એવા વડાપ્રધાન હતા જેઓ એક જ સીટ પરથી ત્રણ વખત જીતીને વડાપ્રધાન બન્યા હતા. જો મોદી આ વખતે જીતશે તો તેઓ આ રેકોર્ડની બરાબરી કરશે.
શું છે નહેરુ-ઈન્દિરાનો રેકોર્ડ : જવાહરલાલ નહેરુ 1952, 1957 અને 1962માં ફૂલપુર સંસદીય બેઠક પરથી ચૂંટણી જીતીને વડાપ્રધાન બન્યા હતા. જ્યારે ઇન્દિરા ગાંધી 1967, 1971 અને 1980માં રાયબરેલી બેઠક પરથી લોકસભા ચૂંટણી જીતીને વડાપ્રધાન બન્યા હતા. જો નરેન્દ્ર મોદી આ વખતે જીતશે તો નવો રેકોર્ડ પણ બનાવશે. તેઓ એવા પ્રથમ વડાપ્રધાન બનશે જેઓ એક જ સીટ પરથી સતત ત્રીજી વખત જીત્યા હોય.
વારાણસી બેઠક જ કેમ ? હવે સવાલ એ ઉઠે છે કે ત્રીજી વખત પણ પીએમ મોદી માટે વારાણસી સીટ કેમ પસંદ કરવામાં આવી ? શું કારણ છે કે ભાજપ માત્ર વારાણસી બેઠક પર જ મહત્તમ વિશ્વાસ બતાવી રહી છે ? પીએમ મોદી પોતે બનારસ સીટને લઈને ખૂબ જ ભાવુક રહે છે.
ભાજપ માટે સૌથી સુરક્ષિત બેઠક : વારાણસી લોકો સાથે ગાઢ સંબંધ બનાવીને પીએમ મોદીએ કાશીમાં છેલ્લા 10 વર્ષમાં તમામ વિકાસ યોજનાઓને ગતિ આપી છે. પરંતુ શું માત્ર વિકાસ જ મુખ્ય એજન્ડા છે કે પછી ભાજપ વારાણસીને સૌથી સુરક્ષિત બેઠક માની રહી છે ?
વારાણસીની વોટબેંક
- કુલ મતદારો - 30 લાખ 78 હજાર 735
- પુરુષ મતદારો - 16 લાખ 62 હજાર 490
- સ્ત્રી મતદાતા - 14 લાખ 16 હજાર 71
- ત્રીજા લિંગના મતદારો - 174
- પ્રથમ વખત મતદાતા - 52 હજાર
BSP-SP માટે સૌથી ખરાબ બેઠક : વાસ્તવમાં વારાણસી લોકસભા સીટને ભાજપનો સૌથી મજબૂત કિલ્લો માનવામાં આવે છે. સૌથી મહત્વની વાત એ છે કે ઉત્તર પ્રદેશની આ બેઠક બે સૌથી મોટી પ્રાદેશિક પાર્ટીઓ માટે અત્યાર સુધીમાં સૌથી ખરાબ પરિણામ આપનાર સાબિત થઈ છે.
સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી આજ સુધી આ સીટ ક્યારેય જીતી શકી નથી. વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપ બે વાર 8 માંથી 8 વિધાનસભા બેઠક પર જીત્યું છે. જેમાં સપા અને બસપા ક્યાંય ટકી શકવા સક્ષમ નથી.
વારાણસીના પ્રથમ સાંસદ : એકંદરે વારાણસી ભાજપનો સૌથી મજબૂત કિલ્લો રહ્યો છે, પરંતુ પ્રાદેશિક પક્ષો માટે આ બેઠક સારી માનવામાં આવતી નથી. જો આંકડાઓની વાત કરીએ તો 1952 માં થયેલી પ્રથમ ચૂંટણીમાં કોંગ્રેસના રઘુનાથ સિંહ અહીંથી સાંસદ બન્યા હતા. વારાણસી બેઠક પરથી કોંગ્રેસ સાત વખત જીતી ચુકી છે અને ભાજપ પણ સાત વખત જીત્યા બાદ આઠમી વખત જીત મેળવવા મેદાને ઉતરશે.
ભાજપ માટે સૌથી શ્રેષ્ઠ વિકલ્પ : ભાજપ માટે બનારસ શા માટે સારો વિકલ્પ છે ? આ અંગે કાશી વિદ્યાપીઠના પ્રોફેસર ચતુર્ભુજનાથ તિવારીએ કહ્યું કે, વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ બનારસમાં કેટલાક એવા રેકોર્ડ બનાવ્યા છે, જેને પાછળ છોડવા ખૂબ મુશ્કેલ બની ગયા છે. વારાણસી બેઠક ભાજપ માટે સૌથી મજબૂત અને શ્રેષ્ઠ વિકલ્પ છે.
ચંદ્રશેખર પણ વારાણસીથી જીત્યા : 1952 માં પહેલીવાર યોજાયેલી ચૂંટણી બાદ કોંગ્રેસ સિવાય વારાણસીમાં CPM અને લોકદળ જીત્યા છે. ચંદ્રશેખર પણ વારાણસીથી જીત્યા છે, પરંતુ એક સમય પછી ભાજપ અહીંથી ક્યારેય હાર્યું નથી.
આ નેતાઓ બનારસથી જીત્યા : કમલાપતિ ત્રિપાઠી, ચંદ્રશેખર, અનિલ શાસ્ત્રી, રઘુનાથ સિંહ, શંકર પ્રસાદ જયસ્વાલ જેવા મજબૂત નેતા વારાણસી બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા છે. નરેન્દ્ર મોદી બે વખત વારાણસીથી સાંસદ રહ્યા છે અને ત્રીજી વખત પણ તેમની નજીક કોઈ ઉમેદવાર દેખાતો નથી. કદાચ આ જ કારણ છે કે સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી કે અન્ય કોઈ પાર્ટીએ હજુ સુધી પોતાના ઉમેદવારોની જાહેરાત કરી નથી.
વારાણસીમાં સત્તા પરિવર્તન : પ્રોફેસર તિવારી કહે છે કે, ઇન્દિરા ગાંધીના મૃત્યુ બાદ 1984 માં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસના શ્યામલાલ યાદવ સાંસદ તરીકે ચૂંટાયા હતા. આ પછી વી. પી. સિંહ કેન્દ્રીય રાજકારણમાં આવ્યા અને 1989 માં જનતા દળના ઉમેદવાર બન્યા. પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના પુત્ર અનિલ શાસ્ત્રીએ કોંગ્રેસ પાસેથી આ સીટ છીનવી લીધી હતી.
શંકરપ્રસાદ જયસ્વાલની હેટ્રીક : વી. પી. સિંહની સરકારમાંથી સમર્થન પાછું ખેંચી લીધા પછી અને સરકારના પતન પછી ભાજપે શ્રી રામ મંદિર આંદોલનનું નેતૃત્વ કરી રહેલા શ્રીશચંદ દીક્ષિતને અહીંથી ચૂંટણીમાં ઉતાર્યા હતા. 1996 માં શંકર પ્રસાદ જયસ્વાલ અહીંથી સતત ત્રણ વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા.
2009 પછી અજેય ભાજપ : 2004 માં કોંગ્રેસના રાજેશ મિશ્રા વારાણસીમાંથી જીત્યા હતા. પરંતુ 2009માં મુરલી મનોહર જોશી અહીંથી જીત્યા અને આ બેઠક ભાજપને પરત અપાવી હતી. ત્યારથી અત્યાર સુધી આ સીટ માત્ર ભાજપ પાસે છે. એકંદરે વારાણસી બેઠક ભાજપ માટે સૌથી સુરક્ષિત બેઠક છે.
ગુજરાતથી પણ વધુ સુરક્ષિત વારાણસી : સૌથી સુરક્ષિત બેઠક પરથી સૌથી મોટા ઉમેદવારને ચૂંટણી લડાવવાનો નિર્ણય વારાણસી લોકસભા બેઠકને સૌથી વિશેષ બનાવે છે. મોદી માટે વારાણસી ગુજરાત કરતાં વધુ સુરક્ષિત માનવામાં આવે છે. પીએમ મોદી પણ વારાણસીમાં જ વિશ્વાસ રાખે છે. આ જ કારણ છે કે તેમણે ત્રીજી વખત બનારસથી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.