નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ શુક્રવારે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં કથિત દારૂ કૌભાંડ કેસમાં 7મી ચાર્જશીટ દાખલ કરી. આમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું નામ નથી. જો કે આ ચાર્જશીટમાં BRS નેતા અને તેલંગાણાના પૂર્વ સીએમ કેસીઆરની પુત્રી કે. કવિતાને આરોપી બનાવવામાં આવી હતી. સ્પેશિયલ જજ કાવેરી બાવેજા 13 મેના રોજ આ ચાર્જશીટને ધ્યાને લેશે.
EDએ મની લોન્ડરિંગ એક્ટની કલમ 45 અને 44(1) હેઠળ કે કવિતા વિરુદ્ધ આરોપ તૈયાર કર્યા છે. આ કેસમાં અત્યાર સુધીમાં 18 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા લોકોમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા, આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ, BRS નેતા કે. કવિતાનો સમાવેશ થાય છે.
ED અનુસાર, આ કેસમાં સાઉથ ગ્રુપે 100 કરોડ રૂપિયાની લાંચ આપી હતી. જેમાંથી 45 કરોડ રૂપિયા આમ આદમી પાર્ટીની 2022ની ગોવા વિધાનસભા ચૂંટણીમાં વાપરવામાં આવ્યા હતા. ED અનુસાર કવિતા દારૂના વેપારીઓની લોબી સાઉથ ગ્રુપ સાથે સંકળાયેલી હતી. EDએ કવિતાને પૂછપરછ માટે 2 સમન્સ મોકલ્યા હતા પરંતુ તેણીએ તેની અવગણના કરી અને હાજર ન થઈ. જે બાદ EDએ દરોડો પાડીને તેણી ધરપકડ કરી હતી.
EDએ 15 માર્ચે હૈદરાબાદમાં દરોડા બાદ કવિતાની ધરપકડ કરી હતી. ED અનુસાર ઈન્ડો સ્પિરિટ્સ દ્વારા 33 ટકા નફો કવિતાને પહોંચ્યો હતો. જ્યારે સીબીઆઈ અનુસાર કે કવિતા પણ દિલ્હી એક્સાઈઝ કૌભાંડ કેસમાં કાવતરામાં સામેલ હતી. સીબીઆઈએ આ મામલામાં 17 ઓગસ્ટ 2022ના રોજ એફઆઈઆર નોંધી હતી. EDએ 22 ઓગસ્ટે કેસ નોંધ્યો હતો.