નવી દિલ્હી: રક્ષા મંત્રી રાજનાથ સિંહને ગુરુવારે દેશની સૌથી મોટી હોસ્પિટલ દિલ્હી AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ તેમને હોસ્પિટલના ન્યુરો સર્જરી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ છેલ્લા ઘણા દિવસોથી પીઠના દુખાવાની સમસ્યાથી પીડાઈ રહ્યા હતા, ત્યારબાદ તેમને આજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એમ્સ હોસ્પિટલના વરિષ્ઠ ડોકટરોની દેખરેખ હેઠળ તેમની સારવાર કરવામાં આવી રહી છે.
દિલ્હી AIIMSના મીડિયા સેલ ઈન્ચાર્જ ડૉ. રીમા દાદાએ કહ્યું કે, અત્યારે અમારી પાસે શેર કરવા માટે વધારે માહિતી નથી. જો કે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની તબિયત સ્થિર છે. તમને જણાવી દઈએ કે ગઈકાલે રક્ષા મંત્રી રાજનાથ સિંહનો જન્મદિવસ હતો અને તેના બીજા દિવસે એટલે કે આજે પીઠના દુખાવાની સમસ્યાને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. ન્યુરોસર્જન અમોલ રહેજા દ્વારા તેની સારવાર કરવામાં આવી રહી છે.
આ પહેલા ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડતા તેમને એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, બાદમાં જ્યારે તેમની તબિયત સ્થિર થઈ ત્યારે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. તે સમયે તેમને ડો.અમલેશ શેઠની દેખરેખ હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટના 26 જૂને બની હતી, જ્યાં તેને રૂમ નંબર 201 જૂના ખાનગી વોર્ડમાં રાખવામાં આવ્યો હતા.