ઉત્તર પ્રદેશ : મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ રવિવારે દીનદયાલ ઉપાધ્યાય ગોરખપુર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને સ્માર્ટફોન અને ટેબલેટ વિતરણ કર્યું હતું. સ્માર્ટફોન-ટેબ્લેટ વિતરણ સમારોહમાં યુનિવર્સિટી અને કોલેજોના એક હજાર જેટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જેમાંથી 15 વિદ્યાર્થીઓએ સીએમ યોગી પાસેથી સ્માર્ટફોન મેળવ્યા હતા. આ પ્રસંગે સીએમ યોગીએ પોતાના ઉદબોધનમાં યુવાનોને ટેકનોલોજીનું મહત્વ સમજાવ્યું અને અનેક વ્યવહારુ ઉદાહરણ આપ્યા હતા.
સ્માર્ટફોન-ટેબલેટ વિતરણ : સભાને સંબોધિત કરતા સીએમ યોગીએ કહ્યું કે, આજે ટેકનોલોજીનો ઉપયોગ યોજનાઓના પારદર્શક અમલીકરણ અને જીવનના દરેક ક્ષેત્રના માટે મહત્વપૂર્ણ છે. ભ્રષ્ટાચાર પર હુમલો કરવા માટે ટેકનોલોજી સૌથી અસરકારક મંત્ર છે. ટેક્નોલોજીના ઉપયોગથી યુવાનોને જમાના પ્રમાણે સક્ષમ અને સમર્થ બનાવવા તેમજ તેમને આત્મનિર્ભરતા તરફ લઈ જવા માટે રાજ્ય સરકાર બે કરોડ યુવાનોને સ્માર્ટફોન અને ટેબલેટ આપવાનો લક્ષ્યાંક હાંસલ કરવાની દિશામાં ઝડપથી આગળ વધી રહી છે આ દરમિયાન તેઓ ભારતનો ઈતિહાસ, પરંપરા અને તેની સાથે જોડાયેલા મહત્વને રેખાંકિત કરીને પોતાની જાતને તેની સાથે જોડતા જોવા મળ્યા હતા.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, ભારતનો ઇતિહાસ ઘણો જૂનો છે. આપણો આખો વારસો આનો સાક્ષી છે. આપણે ઈતિહાસની મર્યાદામાં બંધ ન રહી શકીએ. અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સાથે 500 વર્ષ જૂના ઇતિહાસની યાદ તાજી થઈ ગઈ છે. આવી હજારો વર્ષ જૂની ઘટનાઓ અને યાદો આ દેશ સાથે જોડાયેલી છે, જે આપણા વારસાની ઓળખ છે. ASI એ વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં જ્ઞાનવાપીનો સર્વે કર્યો તેમાંથી પણ ઘણા સંકેતો જોવા મળ્યા છે.
રાશન માફિયાઓ પર તવાઈ : ગોરખપુરમાં સીએમ યોગીએ કહ્યું કે, રાજ્યની જાહેર વિતરણ વ્યવસ્થા 2017 પહેલા ભ્રષ્ટાચારની પકડમાં હતી. કુશીનગર, ગોરખપુર, દેવરિયા, સોનભદ્ર, ચિત્રકૂટ જેવા જિલ્લાઓમાં રાશનના અભાવે લોકો ભૂખે મરતા હતા. જ્યારે હું સાંસદ તરીકે ત્યાં પહોંચ્યો ત્યારે મને ખબર પડી કે ગરીબોને રાશન નથી મળતું. શક્તિશાળી માફિયાઓ તેમના નામે રાશન પડાવીને વેચતા હતા. અનાજ એફસીઆઈના ગોડાઉનમાંથી બહાર આવતાની સાથે જ રાજ્યની બહાર અને અન્ય દેશોમાં પણ પહોંચી જતું હતું.
સીએમ યોગીએ વધુમાં કહ્યું કે, 19 માર્ચ 2017 ના રોજ મુખ્યપ્રધાન બન્યાના એક અઠવાડિયા પછી રાજ્યમાં 80 હજાર રાશનની દુકાન પર દરોડા પાડ્યા, જેમાં ત્રણ લાખ નકલી રેશનકાર્ડ મળી આવ્યા હતા. આ પછી તમામ રાશનની દુકાનોને ટેક્નોલોજીના ઉપયોગથી પોઈન્ટ ઓફ સેલ સાથે જોડવામાં આવી હતી. રેશનકાર્ડને આધાર સાથે લિંક કરવામાં આવ્યું હતું. પરિણામ એ છે કે આજે ઉત્તર પ્રદેશની જાહેર વિતરણ વ્યવસ્થા દેશમાં શ્રેષ્ઠ છે.
શૈક્ષણિક સંસ્થાઓને અપીલ : સીએમ યોગીએ કહ્યું કે, લાંબા સમયથી યુનિવર્સિટીઓ અને અન્ય ઉચ્ચ શૈક્ષણિક સંસ્થા માત્ર ડિગ્રી અને ડિપ્લોમા વહેંચવાના ટાપુ બની ગયા હતા. તેમને આમાંથી બહાર કાઢવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આપી છે. આ નીતિમાં જોડાઈને વિદ્યાર્થીઓને પરંપરાગત અભ્યાસક્રમનું જ્ઞાન આપવાની સાથે વિદ્યાર્થીઓને આત્મનિર્ભર અને સ્વાવલંબી બનાવવામાં તેમની ભૂમિકા નિભાવવાની જવાબદારી સંસ્થાઓની છે.
મુખ્યપ્રધાન યોગીએ ઉમેર્યું કે, સરકાર દ્વારા આપવામાં આવતા સ્માર્ટફોનને કેન્દ્ર અને રાજ્ય સરકારની ઘણી યોજનાઓની માહિતી સાથે પણ જોડવામાં આવ્યા છે. જેના માધ્યમથી યુવાનો પીએમ સ્ટાર્ટઅપ યોજના, સ્ટેન્ડઅપ યોજના, મુદ્રા યોજના, મુખ્યમંત્રી યુવા સ્વરોજગાર યોજના વિશે જાણીને આત્મનિર્ભરતાનો માર્ગ પણ પસંદ કરી શકે છે. છોકરીઓ માટેની ઘણી યોજનાઓ પણ આમાં સામેલ છે.
દેશના યુવાધનને આહવાન : મુખ્યપ્રધાન યોગીએ શૈક્ષણિક સંસ્થાઓને ઉદ્યોગો સાથે જોડાઈને વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી ઈન્ટર્નશીપ યોજના સાથે જોડવાની સલાહ પણ આપી હતી. સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે, આ યોજના હેઠળ અડધુ માનદ વેતન સરકાર અને અડધુ ઉદ્યોગ દ્વારા આપવામાં આવે છે.
સીએમ યોગીએ તમામ યુવાનોને આહવાન કર્યું હતું કે, આઝાદીના અમૃત વર્ષ મહોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા પંચ પ્રણનું મંથન કરી જીવનમાં તેનું પાલન કરે. પંચ પ્રણ જેમાં આત્મનિર્ભર ભારતનું સૂત્ર, ગુલામીના અંશની નાબૂદી, વારસા પ્રત્યે આદર, એકતા અને એકાત્મકતા અને નાગરિક ફરજોનું પાલન, અનુભવ આધારિત ઉદાહરણ દ્વારા સમજાવતાં મુખ્યપ્રધાન યોગીએ કહ્યું કે, આ પંચ પ્રણ ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.