છત્તીસગઢ : અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે ભક્તોને 500 વર્ષ સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે સુકમાના લોકોને ભગવાન રામના મંદિરમાં દર્શન કરવા માટે વર્ષો સુધી રાહ જોવી પડી છે. નક્સલવાદી હુમલાનો સામનો કરી રહેલા સુકમા જિલ્લાના લખાપાલ અને કેરલાપેંદા ગામની આ ઘટના છે. 21 વર્ષથી લાંબા સમય બાદ રામ મંદિરના કપાટ ખુલ્યા છે.
નક્સલ પ્રભાવિત વિસ્તાર : સુકમા જિલ્લાના ભારે નક્સલ પ્રભાવિત લખાપાલ અને કેરલાપેંદા ગામમાં લગભગ 5 દાયકા પહેલા રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ મંદિરમાં ભગવાન રામ, સીતા અને લક્ષ્મણની આરસની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી. પરંતુ ધીમે ધીમે નક્સલવાદ વધતા 2003માં ગામમાં સ્થિત રામ મંદિરમાં પૂજા-અર્ચના બંધ કરી દેવામાં આવી હતી. મંદિરના કપાટ પણે સંપૂર્ણપણે બંધ રહ્યા હતા.
21 વર્ષે ખૂલ્યું રામ મંદિર : 14 માર્ચ 2023 ના રોજ લખાપાલમાં CRPF કેમ્પ ખોલવામાં આવ્યો હતો. કેરલાપેંદા ગામ વિસ્તારમાં વર્ચસ્વ દરમિયાન સૈનિકોએ મંદિરને જર્જરિત અવસ્થામાં જોયું. આ અંગે ગ્રામજનોએ જણાવ્યું કે, અહીં એક ખૂબ જ ઐતિહાસિક મંદિર છે જ્યાં અગાઉ મેળો પણ ભરાયો હતો. નક્સલવાદીઓએ મંદિર બંધ કરાવી દીધું હતું. ગામલોકોએ CRPF જવાનોને મંદિર ખોલવા વિનંતી કરી. ત્યારબાદ સૈનિકોએ આ કામ કરવાનું શરૂ કર્યું. 21 વર્ષ બાદ 8 એપ્રિલ, સોમવારે મંદિરના કપાટ ખોલવામાં આવ્યા અને પૂજા અર્ચના કરવામાં આવી હતી.
રામ મંદિરની સ્થાપના : આ રામ મંદિરની સ્થાપના વર્ષ 1970માં બિહારી મહારાજ દ્વારા કરવામાં આવી હતી. મંદિર બનાવવા માટે બાંધકામ સામગ્રી સુકમા જિલ્લા મુખ્યાલયથી લાવવામાં આવી હતી. આખા ગામના લોકો લગભગ 80 કિલોમીટર ચાલીને તેને માથે લઈને ગામમાં પહોંચ્યા હતા. મંદિરનું નિર્માણ પૂર્ણ ઉત્સાહ સાથે કરવામાં આવ્યું હતું. આ કાર્યમાં ગામના તમામ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
વર્ષ 2003 માં નક્સલવાદીઓએ મંદિરમાં તોડફોડ કરીને તેને બંધ કરાવી દીધું હતું. મંદિરમાં પૂજા કરતા પરિવારે ગુપ્ત રીતે પૂજા કરતા રહ્યા. કેમ્પ ગોઠવાયા બાદ ગ્રામજનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ગામલોકોએ CRPF ને મંદિરના પુનર્વસન માટે વિનંતી કરી. CRPF 74મી બટાલિયને ગ્રામજનો સાથે મળીને મંદિરની સફાઈ કરી અને મંદિર ગ્રામજનોને સોંપવામાં આવ્યું. -- હિમાંશુ પાંડે (કમાન્ડર, CRPF 74મી બટાલિયન)
નક્સલવાદીઓએ મંદિર બંધ કરાવ્યું : કહેવાય છે કે મંદિરની સ્થાપના બાદ સમગ્ર વિસ્તાર રામની ભક્તિમાં લીન થઈ ગયું હતું. સ્થાનિક લોકોએ કંઠી ધારણ કરી. કંઠી ધારણ કર્યા પછી માંસ અને દારૂનો ત્યાગ કરવો પડે છે. આદિવાસી વિસ્તારમાં લોકો માંસાહારી ખોરાક અને મહુઆમાંથી બનાવેલ દારૂનું સેવન કરે છે. ગામના લગભગ 95 ટકા લોકોએ માંસ અને દારૂનો ત્યાગ કર્યો હતો. નક્સલવાદીઓને આ પસંદ ન આવ્યું અને નારાજ નક્સલવાદીઓએ વર્ષ 2003માં મંદિરમાં પૂજા પર પ્રતિબંધ લગાવી અને મંદિર બંધ કરાવી દીધું હતું.
ભવ્ય મેળામાં અયોધ્યાથી સંતો આવતા : ગ્રામજનોનું કહેવું છે કે આ ગામમાં રામ નવમી અને અન્ય તહેવારોમાં ભવ્ય મેળો ભરાય છે. તેમાં ભાગ લેવા માટે અયોધ્યાથી સાધુ-સંતો આવતા હતા. આખા બસ્તરમાંથી આસપાસના ગ્રામજનોની સાથે લોકો આવતા. નક્સલવાદીઓના દબાણને કારણે પહેલા મેળો બંધ થયો અને પછી ધીમે ધીમે પૂજા પાઠ બંધ થઈ ગયો. પરંતુ હવે અયોધ્યા રામ મંદિરના નિર્માણ સાથે 21 વર્ષ બાદ સુકમામાં બંધ પડેલા રામ મંદિરને ખોલવાથી ગ્રામીણો ખૂબ જ ઉત્સાહિત છે.