છત્તીસગઢ : અબુઝમાડના દક્ષિણ વિસ્તારમાં નક્સલવાદીઓના માડ વિભાગ વિરુદ્ધ નક્સલ વિરોધી ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાનમાં 4 જિલ્લાના DRG સાથે STF અને CRPFના જવાનો સામેલ છે. નક્સલવાદીઓ સાથેની અથડામણ બાદ સર્ચમાં અત્યાર સુધીમાં 2 મહિલાઓ સહિત કુલ 7 વર્દીધારી નક્સલીઓના મૃતદેહ મળી આવ્યા છે. તમામ જવાનો સુરક્ષિત છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે.
છત્તીસગઢમાં નક્સલ વિરોધી ઓપરેશન: 10 ડિસેમ્બર, ગુરુવારના રોજ દક્ષિણ અબુઝમાડ વિસ્તાર, નારાયણપુરના સરહદી વિસ્તારમાં નક્સલવાદીઓની હાજરીની બાતમી મળી હતી. જેના આધારે DRG નારાયણપુર, દંતેવાડા, જગદલપુર, કોંડાગાંવ, STF અને CRPF ની સંયુક્ત પાર્ટી મોકલવામાં આવી હતી. સર્ચિંગ દરમિયાન 12 ડિસેમ્બરે સવારે 3 વાગ્યે સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. આ દરમિયાન સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે ઘણીવાર એન્કાઉન્ટર થયુ.
"બાતમીના આધારે સુરક્ષાદળોને સર્ચિંગ માટે મોકલવામાં આવ્યા હતા. ઓપરેશન દરમિયાન નક્સલવાદીઓ અને સૈનિકો વચ્ચે એન્કાઉન્ટર થયા હતા. જે બાદ વિસ્તારમાં સર્ચ કરીને જવાનોએ 2 મહિલાઓ સહિત 7 વર્દીધારી નક્સલીઓના મૃતદેહ કબ્જે કર્યા છે. અભિયાન પૂર્ણ થયા બાદ સંપૂર્ણ માહિતી આપવામાં આવશે." -- સુંદરરાજ (IG, બસ્તર રેન્જ)
એન્કાઉન્ટરમાં 7 નક્સલીઓ માર્યા ગયા : નક્સલી એન્કાઉન્ટર સમાપ્ત થયા પછી સૈનિકોએ સ્થળ પર સર્ચ દરમિયાન 2 મહિલાઓ સહિત કુલ 7 વર્દીધારી નક્સલીઓના મૃતદેહ કબ્જે કર્યા. તમામ ઇન્દ્રાવતી વિસ્તારના માઓવાદી હોવાની શક્યતા છે, જેમની ઓળખની કામગીરી ચાલી રહી છે. નક્સલવાદીઓના કબજામાંથી મોટી માત્રામાં શસ્ત્રો અને રોજિંદા ઉપયોગની સામગ્રી પણ મળી આવી છે. આસપાસના વિસ્તારમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે. આ સાથે બેકઅપ ટીમ પણ રવાના કરવામાં આવી છે.
એક વર્ષમાં 217 નક્સલવાદી માર્યા ગયા : બસ્તર રેન્જના IG સુંદરરાજે જણાવ્યું કે, સ્થાનિક પોલીસ દળ અને કેન્દ્રીય અર્ધલશ્કરી દળે નક્સલી સંગઠન સામે અસરકારક કાર્યવાહી કરવા માટે વધુ સારા સંકલન અને વ્યૂહરચના સાથે કામ કર્યું છે. જેના પરિણામે છેલ્લા એક વર્ષમાં (13 ડિસેમ્બર 2023 થી 12 ડિસેમ્બર 2024) બસ્તર ડિવિઝનમાં એન્કાઉન્ટર દરમિયાન કુલ 217 નક્સલવાદીઓના મૃતદેહ કબ્જે કરવામાં આવ્યા છે.
તેવી જ રીતે નારાયણપુર, દંતેવાડા અને કાંકેર જિલ્લાનો વિસ્તાર ધરાવતા એકલા અબુઝમડમાં એક વર્ષમાં 130 થી વધુ નક્સલવાદીઓ માર્યા ગયા છે. જ્યારે નારાયણપુર જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં 56 નક્સલવાદી માર્યા ગયા છે. આ આંકડો અબુઝમાડમાં નક્સલવાદીઓ સામે સુરક્ષા દળોના હુમલા અને સફળતા દર્શાવે છે.