નવી દિલ્હી : દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટ દ્વારા દિલ્હી દારૂ કૌભાંડ સંબંધિત CBI કેસમાં BRS નેતા કે. કવિતાની જ્યુડિશિયલ કસ્ટડી 22 જુલાઈ સુધી લંબાવવામાં આવી છે. વિશેષ ન્યાયાધીશ કાવેરી બાવેજાએ ગુરુવારે આ આદેશ આપ્યો હતો. રાઉઝ એવન્યુ કોર્ટ દ્વારા BRS નેતા કે. કવિતાને તેની તબિયત તપાસવા માટે AIIMS હોસ્પિટલમાં રીફર કરવામાં આવી છે. આ ઉપરાંત હોસ્પિટલ પાસેથી તેનો મેડિકલ રિપોર્ટ પણ માંગવામાં આવ્યો છે.
કે. કવિતાની જ્યુડિશિયલ કસ્ટડી : હકીકતમાં, 16 જુલાઈના રોજ તિહાર જેલમાં તેમની તબિયત બગડી હતી. ત્યારબાદ તેમને દિલ્હીની દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર બાદ તેમને પરત જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. CBI કેસમાં તેમની ન્યાયિક કસ્ટડી ગુરુવારે સમાપ્ત થઈ રહી હતી. આ કેસમાં CBI દ્વારા 11 એપ્રિલના રોજ કવિતાની ધરપકડ કરવામાં આવી હતી. અગાઉ 7 જૂનના રોજ કે. કવિતા સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. સાથે જ કે. કવિતા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ED ની ચાર્જશીટ પર 29 મેના રોજ કોર્ટ દ્વારા સંજ્ઞાન લેવામાં આવ્યું હતું.
અત્યાર સુધીમાં 18 લોકોની ધરપકડ : આ કેસમાં અત્યાર સુધીમાં 18 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા લોકોમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા, AAP સાંસદ સંજયસિંહ, BRS નેતા કે. કવિતાનો સમાવેશ થાય છે. જોકે સુપ્રીમ કોર્ટે સંજયસિંહને નિયમિત જામીન આપ્યા છે. તમને જણાવી દઈએ કે 21 માર્ચે ઈડીએ અરવિંદ કેજરીવાલને દિલ્હી હાઈકોર્ટમાંથી ધરપકડથી રક્ષણ ન મળતાં મોડી સાંજે ધરપકડ કરી હતી.