નવી દિલ્હીઃ હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. અરવિંદ કેજરીવાલનો જાદુ જાટલેન્ડમાં કામ કરી શક્યો નહીં અને આ પરિણામો દર્શાવે છે કે આમ આદમી પાર્ટીને તેની વર્તમાન રાજનીતિની દિશામાં વધુ મહેનત કરવાની જરૂર છે. સાથે જ હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસ સત્તા સુધી પહોંચવામાં સફળ રહી શકી નથી. પરિણામો બાદ AAP નેતા રાઘવ ચઢ્ઢાએ ઈશારા દ્વારા કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે.
તમને જણાવી દઈએ કે, AAP અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થઈ શક્યું નથી. જ્યારે ચૂંટણીના પરિણામો આવ્યા ત્યારે જાણવા મળ્યું કે, હરિયાણામાં પ્રાદેશિક પક્ષો કરતાં આમ આદમી પાર્ટીને ઓછા મત મળ્યા છે. આમ આદમી પાર્ટીને 1.79 ટકા અને કોંગ્રેસને 39.09 ટકા વોટ મળ્યા હતા. હરિયાણામાં ભાજપ 48 સીટો જીતીને સરકાર બનાવવા જઈ રહી છે. કોંગ્રેસ માત્ર 37 સીટો જીતી શકી હતી. હવે AAP નેતા અને રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ પોસ્ટ કર્યું છે કે, જો આપણે સાથે ચાલ્યા હોત તો વાત અલગ હોત.
हमारी आरज़ू की फिक्र करते तो कुछ और बात होती,
— Raghav Chadha (@raghav_chadha) October 8, 2024
हमारी हसरत का ख्याल रखते तो एक अलग शाम होती
आज वो भी पछता रहा होगा मेरा साथ छोड़कर,
अगर साथ-साथ चलते तो कुछ और बात होती
હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થવાની શક્યતાઓ હતી. બંને પક્ષોના વરિષ્ઠ નેતાઓ પણ ગઠબંધન માટે તૈયાર હતા. 12 સપ્ટેમ્બર હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે નોમિનેશનની છેલ્લી તારીખ હતી. આના એક દિવસ પહેલા સુધી બંને પક્ષો વચ્ચે ગઠબંધનને લઈને વાતચીત ચાલુ હતી. કહેવામાં આવી રહ્યું છે કે સીટોની વહેંચણીને લઈને બંને પાર્ટીઓ વચ્ચે ગઠબંધન થઈ શક્યું નથી.
હરિયાણા વિધાનસભામાં કઈ પાર્ટીને કેટલા ટકા વોટ મળ્યા?
- આમ આદમી પાર્ટી – 1.79
- કોંગ્રેસ - 39.04
- ભારતીય જનતા પાર્ટી – 39.94
- BSP - 1.82
- INLD - 4.14
88 બેઠકો પર ડિપોઝીટ જપ્ત: આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન ન હોવાને કારણે બંને પાર્ટીઓએ હરિયાણાની તમામ 90 સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા. કોંગ્રેસે 90માંથી 37 બેઠકો જીતી હતી પરંતુ આમ આદમી પાર્ટી લડાઈમાં દૂર દૂર સુધી ક્યાંય પણ નહોતી. હરિયાણામાં આમ આદમી પાર્ટીના તમામ મોટા નેતાઓ ચૂંટણી મેદાનમાં હતા. અરવિંદ કેજરીવાલે પોતાને હરિયાણાનો દીકરો ગણાવ્યો હતો અને જેલમાં ગયા ત્યારે વિક્ટિમ કાર્ડ પણ રમ્યું હતું, પરંતુ હરિયાણાના લોકોને તેમના પર વિશ્વાસ નહોતો. આમ આદમી પાર્ટીએ આખરે 89 સીટો પર ચૂંટણી લડી હતી. જેમાં 88 ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ હતી. આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા ગોપાલ રાયે મંગળવારે કહ્યું કે, જો ગઠબંધન થયું હોત તો પાર્ટીને કેટલો ફાયદો થયો હોત તેની સમીક્ષા કરવામાં આવશે.
વિજેન્દ્ર ગુપ્તાએ કહ્યું કે, લોકો કેજરીવાલને જેલમાં જ જોવા માંગે છે: બીજેપી નેતા વિજેન્દ્ર ગુપ્તાએ હરિયાણા ચૂંટણી પર કહ્યું કે, દિલ્હી લોકસભા ચૂંટણીમાં કેજરીવાલ કહેતા હતા કે, "જો તમે મને જેલમાં જોવા નથી માંગતા, તો મને મત આપો", પરિણામે આમ આદમી પાર્ટીને શૂન્ય બેઠકો મળી. હરિયાણાની ચૂંટણીમાં કેજરીવાલે ફરી કહ્યું, "હું હરિયાણાનો દીકરો છું, મને મત આપો કે હું જેલમાં જવાનો બદલો લઈ શકું." આનાથી સ્પષ્ટ થાય છે કે જનતા અરવિંદ કેજરીવાલને જેલમાં જ જોવા માંગે છે. તમને જણાવી દઈએ કે હરિયાણાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 48 સીટો, ઈન્ડિયન નેશનલ કોંગ્રેસે 37 સીટો, ઈન્ડિયન નેશનલ લોકદળે 2 અને ત્રણ અપક્ષ ઉમેદવારોએ જીત મેળવી છે.
આ પણ વાંચો:
કોંગ્રેસે કહ્યું, 'હરિયાણા ચૂંટણીના પરિણામો સ્વીકાર્યા નથી, EVM પર સવાલો, ચૂંટણી પંચ પાસે જશે'
રાહુલ ગાંધીની ભારતીય નાગરિકતા રદ કરવાની માંગ કરતી અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી