નવી દિલ્હીઃ સામાન્ય રીતે ડિફેન્સને પુરુષ પ્રધાન સેક્ટર માનવામાં આવે છે. જો કે આ વર્ષે 75મા પ્રજાસત્તાક નિમિત્તે યોજાનાર નેશનલ પરેડની થીમ નારી શક્તિ અથવા દે શની સુરક્ષામાં જોડાયેલ મહિલા અધિકારીઓની આસપાસ રાખવામાં આવી છે. નવી દિલ્હીમાં નેશનલ પરેડ અને બીટિંગ ધી રિટ્રીટ 2024 સંદર્ભના મીડિયા બ્રિફિંગમાં અનેક મહિલા ઓફિસર્સે ભાગ લીધો હતો.
ઈટીવી ભારત સાથે વાત કરતી વખતે સર્વત્રા બ્રિજની કોર એન્જિનિયર કેપ્ટન સુમન સિંહે પોતાના સંઘર્ષો અને ભારતીય સેનામાં સામેલ થવા પાછળની પોતાની પ્રેરણા વિશે જણાવ્યું હતું.
તેમણે પોતાની પારિવારીક પૃષ્ઠભૂમિ વિષયક વાત કરતા કહ્યું કે, મારા પિતા મધ્ય પ્રદેશમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં એકાઉન્ટન્ટ છે. જ્યારે મારો ભાઈ મધ્ય પ્રદેશ પોલીસમાં કોન્સ્ટેબલ છે. મારો ભાઈ મને શરુઆતથી જ બહુ સપોર્ટ કરતો હતો.
તેમણે કહ્યું કે, હું ખૂબ જ સાધારણ પરિવારમાંથી આવું છું. હું મારા સમગ્ર પરિવારમાં પહેલી મહિલા અધિકારી છું. ડિફેન્સ સેક્ટરને પુરુષ પ્રધાન ગણવામાં આવે છે તેના પર કોમેન્ટ કરતા તેણીએ જણાવ્યું કે, આ સાચું નથી. એક વાર અમે યુનિફોર્મ પહેરી લઈએ પછી કોઈ ફર્ક નથી પડતો કે અમે પુરુષ છીએ કે સ્ત્રી છીએ.
અન્ય એક મહિલા અધિકારી લ્યૂટેન્નટ દીપ્તી રાણા પણ પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લેવાની છે. તેમણે કહ્યું કે, આ એક બહેતરીન અનુભવ છે. અમે લાંબા સમયથી અભ્યાસ કરી રહ્યા છીએ. અમે 26મી જાન્યુઆરી માટે તૈયાર છીએ.
ડિફેન્સ સેક્ટરને પુરુષ પ્રધાન ગણવામાં આવે છે તેના પર કોમેન્ટ કરતા તેણીએ જણાવ્યું કે,યુનિફોર્મ જેન્ડર નથી જોતી. અમારી દરેક સાથે સમાન વ્યવહાર કરવામાં આવે છે. તમે પુરુષ છો કે મહિલા તેનાથી કોઈ ફરક નથી પડતો.
ઉલ્લેખનીય છે કે ભારતીય સેનામાં પ્રથમ વાર આર્ટિલરી રેજિમેન્ટમાં સામેલ થનાર 5 મહિલા અધિકારીઓમાંથી 4 આ વર્ષે પ્રજાસત્તાક પરેડમાં ભાગ લેવાની છે. જેમાં લ્યુટેન્નટ દીપ્તી રાણા, અનિકા સેવદા, આદ્યા ઝા અને સીએચ એનોનીનો સમાવેશ થાય છે.