‘વાયુ’ વાવાઝોડું ફંટાયું, પરંતુ એલર્ટ યથાવત - gujarat news
મોરબીઃ વાયુ વાવાઝોડું ફંટાઇ ગયું છે અને ગુજરાતના દરિયાકાંઠા પર તે નહિ અથડાય આમ છતાં પણ મોરબી જિલ્લાના તંત્ર દ્વારા સાવચેતીના અને તકેદારીના તમામ પગલા લેવાઈ રહ્યા છે. મોરબી જિલ્લાના માળિયામાં મીઠા ઉદ્યોગ મોટાપાયે વિકસ્યો છે ત્યારે, મીઠાના અગરિયાઓને ભારે પવન કે વરસાદ સમયે જાનમાલનું નુકશાન ના થાય તેવા હેતુથી અગરિયાઓના સ્થળાંતર કરવામાં આવ્યા છે. તેમજ માછીમારોના પણ સ્થળાંતર કરાયા હોય જેથી માચ્છીમારી અને મીઠા ઉદ્યોગ હાલ ઠપ્પ પડ્યો છે. સાથે જ નવલખી બંદરનું ફાટક બંધ કરી દેવામાં આવ્યું છે. હાલ ભલે વાવાઝોડાની ભયાનક અસર થવાની સંભાવના ના હોય છતાં પણ પરિસ્થિતિ સામાન્ય ના બને ત્યાં સુધી તંત્ર ખડેપગે રહેશે અને કોઈ જાનહાની ના થાય તેમજ નુકશાની ના થાય તે માટે પુરતી તકેદારી રાખવામાં આવી રહી છે.