સુરતમાં ધીમી ધારે વરસાદ શરૂ, વાયુ વાવાઝોડાને લઈ શહેરીજનોમાં ડર - sweta shing
સુરતઃ 'વાયુ'વાવાઝોડાની આંશિક અસરથી શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં છેલ્લા બે દિવસથી ભારે ઉકળાટ વચ્ચે શહેરીજનો જીવી રહ્યાં હતાં. ત્યારે બુઘવારે મેઘરાજાની સવારી આવી પહોંચતા આનંદની હેલી છવાઈ ગઈ હતી. લાલદરવાજાથી લઈને રીંગ રોડ, મહિધરપુરા, વેડરોડ, વરાછા સહિતના વિસ્તારોમાં ભારે બફારાની વચ્ચે કાળા ડિબાંગ વાદળોમાંથી ધીમી ધારે વરસાદ શરૂ થતાં લોકોમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ગણતરીના કલાકોમાં વાયુ વાવાઝોડુ ગુજરાતથી ટકરાશે તે પહેલાં તેની આંશિક અસર સુરત શહેરમાં જોવા મળી હતી. શહેરમાં ધીમી ધારે વરસાદની સાથે શહેરીજનોને વાયુ નામના વાવાઝોડાને લઈ ડર સતાવી રહ્યો છે. જો કે, સુરતમાં વાવાઝોડાની નહિવત અસર હોવાનું તંત્ર દ્વારા કહેવાયું છે. સાથે જ ખોટી અફવા ન ફેલાય તેની તકેદારી રાખવાની સ્પષ્ટ સૂચના પણ આપવામાં આવી છે.