શ્રમજીવીઓનું જમવાનું બંધ થઈ જતા વિશ્વામિત્રી બચાવ સમિતિ દ્વારા વિરોધ - Rescue Committee Welfare Board
વડોદરાઃ બાંધકામ ક્ષેત્રના શ્રમિકોને 10 રૂપિયામાં ભોજન મળી રહે તે માટે શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા રાજ્ય સ્તરે શ્રમિક અન્નપૂર્ણા યોજના શરૂ કરવામાં આવી હતી. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી વડોદરા શહેરમાં શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ચલાવવામાં આવતા કાઉન્ટરો બંધ છે. જેથી ગરીબ શ્રમિકોને ભોજન મળી રહ્યું નથી. વિશ્વામિત્રી બચાવ સમિતિ દ્વારા કલ્યાણ બોર્ડની તપાસ કરવામાં આવી, ત્યારે મેનેજર દ્વારા આ કાઉન્ટર આદેશ મુજબ બંધ રાખ્યા હોવાનું જણાવ્યું હતું. પરંતુ બીજી તરફ કોરોનાના લીધે રોજગારી ઓછી થઈ ગઈ છે અને ધંધા વેપાર પણ પડી ભાંગ્યા છે. જેથી ગરીબો માટે ચાલતી આ જમવાની સેવા બંધ થતા મજૂરો અને શ્રમિકોની હાલત કફોડી બની છે. જેને લઇને વિશ્વામિત્રી બચાવ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી કે, આ કાઉન્ટર વહેલામાં વહેલી તકે શરૂ કરવામાં આવે.