વડોદરા શહેરમાં ભર ચોમાસે પીવાના પાણી માટે વલખા મારતા સ્થાનિકો
વડોદરા: શહેર એક તરફ સ્માર્ટ સીટી બનવા માટે હરણ ફાળ રીતે આગળ વધી રહ્યું છે. તો બીજી તરફ શહેરમાં પીવાના પાણીની સમસ્યાને લઈને શહેરીજનો ત્રસ્ત છે. ઘણા વિસ્તારોમાં વરસાદ આવ્યા છતા પણ પીવાના પાણી માટે શહેરીજનો વલખાં મારી રહ્યા છે. શહેરના વેમાલી વિસ્તારમાં આવેલી મોટા ભાગની સોસાયટીઓમાં પીવાના પાણીની સમસ્યાને લઈને લોકો હેરાન પરેશાન થઇ રહ્યાં છે. મોટી સંખ્યામાં અહીંયા રહેતા લોકોને પીવાનું શુદ્ધ પાણી પણ નથી મળી રહ્યું, ત્યારે અહીં રહેતા સ્થાનિકો દ્વારા એકત્રિત થઈ અને પ્રાથમિક સમસ્યા તંત્ર સમક્ષ પહોંચાડવાની કોશિશ કરી હતી. સ્થાનિકો દ્વારા પાણી આપો તેવા સૂત્રોચ્ચારો સાથે વિરોધ દર્શાવ્યો હતો. જો આગામી દિવસોમાં તેમની સમસ્યાનો હલ નહીં આવે તો સ્થાનિકોએ ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.