જંબુસરના કહાનવા ગામે કાચા મકાનની દીવાલ ધરાશાયી, યુવાનનું મોત - કહાનવા
ભરૂચઃ જંબુસરના કહાનવા ગામે કાચા મકાનની દીવાલ ધરાશાયી થતાં એક યુવાનનું મોત નિપજ્યું હતું. રાહદારી યુવાન મકાનની નજીકથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન આચનક દીવાલ ધરાશયી થતાં દુર્ઘટના સર્જાઈ હતી. જંબુસર તાલુકાનાં કહાનવા ગામે રહેતા નગીનભાઈ સોલંકીનું પ્રધાન મંત્રી આવાસ યોજનામાં મકાન મંજૂર થતાં તેમનું જૂનું કાચું મકાન પાડવાની કામગીરી ચાલી રહી હતી. બુધવાર સવારે 25 વર્ષીય મનહર સોલંકી નામનો યુવાન કાચા મકાનની નજીકથી પસાર થઈ રહ્યો હતો, તે દરમિયાન અચાનક દીવાલ ધરાશયી થઈ હતી. જેમાં દિવાલના કાટમાળ નીચે યુવાન દબાઈ ગયો હતો. બનાવની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા, અને યુવાનને કાટમાળ નીચેથી બહાર કાઢ્યો હતો, ગંભીર ઇજાને કારણે તેનું મોત નીપજયું હતું.