રેલવે કોલોનીના ખાનગીકરણ મુદ્દે રેલવે કર્મચારીઓની સભા યોજાઈ, સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર
વડોદરાઃ કેન્દ્ર સરકારે રેલવેને ખાનગી ધોરણે ચલાવવા માટે તેજસ ટ્રેન શરૂ કરી અને તેને ખાનગી કંપનીને ચલાવવા માટે આપી દીધી છે. આ ઉપરાંત કેટલાક શહેરોમાં આવેલી રેલવે કોલોની વેચવા પણ કાઢી હોવાની વાત સામે આવી છે. જેના કારણે રેલવે કર્મચારીઓમાં વિરોધ ઊભો થયો છે. રેલવેના કર્મચારીઓનું બનેલું નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન રેલવે મેન દ્વારા ખાનગીકરણનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે. ખાનગીકરણના મુદ્દે કર્મચારીઓમાં જાગૃતતા લાવવા માટે વડોદરામાં પ્રતાપનગર હેડ ક્વાર્ટર ખાતે નેશનલ ફેડરેશન ઓફ ઈન્ડિયન રેલવે મેનના મહામંત્રી ડૉક્ટર એમ રાઘવૈયાની ઉપસ્થિતિમાં સભા યોજાઈ હતી અને કેન્દ્ર સરકારના વિરોધમાં સૂત્રોચ્ચાર કરીને સખત વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત જો સરકાર ખાનગીકરણ બંધ નહીં કરે તો રેલ થંભાવી દેવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.