વડોદરા જિલ્લા કોંગ્રેસે કૃષિ બીલના વિરોધમાં નેશનલ હાઇવે પર ચક્કાજામ કર્યો, 15 કાર્યકરોની અટકાયત કરાઈ - વડોદરા ન્યુઝ
વડોદરાઃ જિલ્લા કોંગ્રેસ દ્વારા ખેડૂત બિલનો વિરોધ કરવામાં આવ્યો હતો. કેન્દ્રની ભાજપ સરકાર ખેત ઉપજ, વેપાર અને વાણિજ્ય ખરડો - 2020 લાવી છે. જેના વિરોધમાં જિલ્લા કોંગ્રેસે દેણા ચોકડી પર ચક્કાજામ કર્યો હતો. જ્યારે પોલીસે જિલ્લા પ્રમુખ સહિત 15 કાર્યકરોની અટકાયત કરી હતી. તાજેતરમાં જ સરકાર દ્વારા કૃષિ બીલ પસાર કરવામાં આવ્યું છે. જેને ખેડૂત વિરોધી કાળો કાયદો ગણાવી કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે મહાત્મા ગાંધીજી જન્મ જયંતિએ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ સાગર બ્રહ્મભટ્ટ કોકોની આગેવાનીમાં હોદ્દેદારોએ નેશનલ હાઇવે નંબર 8 દેણા ચોકડી ખાતે ચક્કાજામ કરી ઉગ્ર સુત્રોચ્ચારો કર્યા અને રામધૂન બોલાવી હતી. જેને લઈ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આથી કોંગ્રેસે ગોડસેની વિચારધારા વાળી સરકારના ઈશારે પોલીસ કામ કરી રહી હોવાના આક્ષેપ કર્યા હતા. તેઓનું માનવું છે કે, ખેડૂત કૃષિ સેવા ભાવ બાંહેધરી અંગેની સમજૂતી ખરડો અને આવશ્યક ચીજ વસ્તુઓ જેવા ત્રણ ખેડૂત વિરોધી ખરડા પસાર કરીને હરિયાળી ક્રાંતિને નામશેષ કરવાનું ષડયંત્ર કરી રહી છે. કેન્દ્ર સરકાર પોલીસ દમન દ્વારા ખેડૂતોનો અવાજ દબાવાનો પ્રયાસ કરી રહી છે.