કિસાન દિવસ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસે યોજી કેન્ડલ માર્ચ, ખેડૂતોને આપી શ્રદ્ધાંજલિ
વડોદરાઃ કૃષિ કાયદાના વિરોધમાં દેશભરમાં ખેડૂતો દ્વારા વિરોધ નોંધવામાં આવી રહ્યો છે. ત્યારે છેલ્લા ઘણા દિવસોથી દિલ્હીની સરહદે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. ધીમે ધીમે આંદોલન આગળ ધપી રહ્યું છે. આ આંદોલનમાં 30 જેટલા ખેડૂતો શહીદ થયા છે. જેના પડઘા પણ સમગ્ર દેશમાં પડયા છે. બુધવારે કિસાન દિવસ હોય જે નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ પ્રવક્તા ઋત્વિજ જોશી, કાઉન્સીલરો અને કાર્યકરોએ ભેગા મળીને કેન્ડલ માર્ચ યોજી હતી અને શહેરના શહીદ ભગતસિંહ ચોક ખાતે એકત્ર થઈ મીણબત્તી પ્રગટાવી બે મિનિટનું મૌન ધારણ કરી કિસાન આંદોલનમાં શહીદ થનાર ખેડૂતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ સાથે સરકાર સામે કૃષિ કાયદાને લઈ આકરા શબ્દોના પ્રહારો કર્યા હતા.